પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ છત્રીસમું
જીવન અને મૃત્યુ

‘મારો બેરખો લાવો, ઝટઝટ સતીમાને સંભારી લઉં.’ ઊઠતાં વાર જ હાદા પટેલે કહ્યું. ‘આજ તો બવ મજાનું ને શુકનવંત સેાણું આવ્યું.’

શાનું સપનું આવ્યું, કોણ સપનામાં આવ્યું. શું શું જોયું, એ કશું પૂછવાની ઊજમને આજે જરૂર જ નહોતી, કેમ કે, શ્વસુરે તંદ્રાવસ્થામાં જે સંભાષણો અને સ્વગતોક્તિઓ ઉચ્ચારેલ, એ આ પ્રોષિતભર્તૃકા પુત્રવધૂએ કાન દઈને સાંભળેલ.

‘આજે તો મને દેવશી સોણે ભરાણો.’ હાદા પટેલ માળા ફેરવવા માટે ખાટલા પર બેસતાં બોલ્યા, ‘સતીમાએ મને હૈયારી તો આપી’તી જ કે દેવશી મરી ગયો નથી; પણ ઓલ્યા કામેસર મા’રાજે આપણને સાસ્તરનાં ઊઠાં ભણાવીને ભડકાવી દીધા ને અડદનાં પૂતળાંનાં શરાધ સરામણાં કરાવી નાખ્યાં.’

‘તી ભલેની કરાવી નાખ્યાં !’ અંદરના ઓરડામાંથી ઊજમ બોલી, ‘એમાં શું બગડી ગ્યું ? અડધી ગુણ્ય અડદ જ કે બીજુ કાંઈ ?’

આમ કહીને ઊજમ પોતાની અંતરની શ્રદ્ધાને વાચા આપી રહી.

ધનિયો ગોવાળ આવ્યો. રોજ તો એ ડેલીમાં પ્રવેશીને ‘કાબરીઈઈઈ ! કહીને લાંબે લહેકે બૂમ પાડતો એને બદલે આજે એણે કહ્યું :

‘કાબરીને છોડશો મા—’

‘કેમ ભલા ? તેં આજે અકતો પાળ્યો છે ?’ સંતુએ પૂછ્યું.