પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
લીલુડી ધરતી-૨
 

 સાચે જ સંતુને ગોબર ગમતો નહિ હોય એટલે આ ત્રાગડો રચ્યો હશે ? એનું મન માંડણિયામાં મોહ્યું હશે ? સંતુ સાચે જ હવે નાતરે જાશે ? સુરંગની વાટ કોણે સળગાવી હશે ? માંડણે કે સંતુએ ? કોને ખબર ? વાડીમાં તો માંડણ ને સંતુ સિવાય ત્રીજું કોઈ નજરે જોનાર હતું જ નહિ... ના, ના, એક ત્રીજું જણ હતું... સતીમા પોતાના થાનકમાં બેઠાં બેઠાં આ હધું ય ઉઘાડી આંખે જોતાં હતાં...’ સાચી વાત તો એકલાં સતી મા જ જાણે. માંડણની વાતમાં વિશ્વાસ ન મૂકાય, સંતુની વાત પણ સાવ સાચી ન મનાય. આમાં તો એકલાં સતીમા બોલે ઈ જ સાચું માનવું...

આવી શ્રદ્ધાથી ભાવુક હાદા પટેલે ગામલોકોની કુથલીને ગણકારી નહિ, અને સંતુને હત્યારી ઠેરવી નહિ. છતાં એમની એ શ્રદ્ધાને ય ચલિત કરી નાખે અને પુત્રવધૂને માથે પતિહત્યાનું પાતક ઓઢાડવા પ્રેરે એવો એક સૂચક બનાવ થોડા દિવસમાં જ બનવા પામ્યો.

કાચી જેલમાં રહેલા માંડણ સામેનો મુકદમો શરૂ થાય અને સંતુ સહિત ગામનાં માણસો એમાં સાક્ષી આપવા જાય એ પહેલાં જ સંતુએ અત્યંત ક્ષોભ સાથે ઊજમને મોઢે સ્ફોટ કર્યો કે પોતે સગર્ભા છે, અને ભવિષ્યમાં માતા બનશે.

થયું, ઊજમના માનસમાં દિવસોથી ઘેરાઈ રહેલાં વહેમનાં વાદળોમાં એક નવો ઉમેરો થયો. અત્યાર સુધી એના ચિત્તમાં ઘોળાઈ રહેલા સઘળા સંશયોને સંતુના આ એક જ સમાચારથી સમર્થન મળી રહ્યું. પોતે આજ સુધી દેરાણી ઉપર પતિહત્યાનું જે પાતક ઓઢાડી રહી હતી એને અણધારી પુષ્ટિ મળી રહી.

સંતુને મોઢેથી આ નવા સમાચાર સાંભળતાં વાર જ ઊજમના મનમાં પ્રશ્નોની અને સંશયોની પરંપરા ઊઠી :

એ જન્મનાર બાળક કોનું ? શાદૂળનું કે માંડણનું ?

ગોબર જીવતો હતો ત્યાં સુધી અમને વાત કેમ ન કરી ?