પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૦
લીલુડી ધરતી-૨
 

 ભજનની ધૂન જામી’તી ને બીજી કોર્ય બારે ય મેઘ ખાંગા જોઈને ઓઘડિયો ખિખિયાટા કરે... ને એમાં ઓઝતનાં પાણી ઊંચાં ચડ્યાં ને ઓવારાનાં પગથિયાં ડૂબવા માંડ્યાં, પણ ઓઘડા ગાંડાને ગમ થોડી હોય કે હું તણાઈ જઈશ ? ઈ તો અનરાધાર વરસતાં પાણી જોઈને ગાંડોતૂર થઈ ગ્યો... પણ ભૂવાની આવરદા બવ લાંબી, તી હાથિયે પાણે પૂગ્યો ત્યાં તો તડબૂચના વાડા બાંધનાર વાઘરાંની નજરે ચડ્યો. ડોહો પાણી ગળચતો ડચકાં ખાતો’તો, એનો ટાંટિયો ઝાલીને તાણી લીધેધો… સારીપટ વાર લગણ ખાટલે ઊંધે માથે સુવરાવ્યો તંયે ભૂવાને સુવાણ્ય થઈ... ઉજમભાભી ! એક તીખારો... આ વાતુમાં રિયો ને ચૂંગી ઠરી ગઈ...…

‘મર્ય મૂવા ! તેં તો મારા ચૂલામાંથી આખો ઓબાર ખાલી કરાવી નાખ્યો.’ ઊજમે કહ્યું. ‘તારે સારુ તીખારાના દેવતા ઠારી નથી મેલ્યા... આ હવાઈ ગયેલાં છાણાં ય કેમે કર્યાં સળગતાં નથી...’

સાંભળીને સંતુ ગમાણમાં ગઈ ને મોભારાની વળીને આડશે સંતાડી રાખેલ લાકડી ઉતારીને ધડ ધડ ધડ એના કટકા કરી નાખ્યા.

‘લ્યો, આ લાકડાનો ઓબાર ભરો !’ સંતુએ ઊજમને કહ્યું. એ ટુકડા થઈ ગયેલી અને ઓબારમાં ઓરાઈ ગયેલી વસ્તુ હતી શાદૂળની હૉકી સ્ટીક. પોતાના જીવનમાં ભજવાઈ ગયેલા એક દારુણ હત્યાકાણ્ડના નિમિત્ત બનનારા આ અળખામણા પ્રતીકને આગમાં ભસ્મીભૂત થતું જોઈને સંતુ જાણે કે પોતાનો હૈયાભાર દૂર થતો અનુભવી રહી.

ઓસરીમાં ભાંખોડિયાં ભરી રહેલી જડીને જોઈને વળી ધનિયા ગોવાળની જીભ ઊપડી હતી.

આ સંતુબાને તો એની જડી જડી રૈ, પણ કાબરી કો’કની ભાર્યે નજરથી નજરાઈ ગઈ હશે, એટલે જ મારે વાછડીની જગાએ મુંઢકણું માંડવું પડ્યું’તું. હવે હું એને ધણમાં લઈ જાઈશ તંયે ડાબી ખરીએ દોરો બાંધતો જાઈશ, ને એને અજવાળીકાકીની નજરે