લખાણ પર જાઓ

પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૩૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.






પ્રકરણ સાડત્રીસમું
ધરતીનું સૌભાગ્ય

પણ કોઈ ઊભડ સાથી આવે ત્યાં સુધી હાથ જોડીને બેઠાં રહેવાનું કેમ પોસાય ? ઓઝતનાં પૂર ઓસર્યા અને ઉઘાડ નીકળ્યો કે તુરત સંતુ અને ઊજમ ખેતરે જઈ પહેાંચ્યાં.

આખી ધરતી અત્યારે સ્નાનપૂત સુંદરી સમી શોભતી હતી. બે વર્ષથી નપાણી પડી રહીને ભૂંડીભૂખ જેવી બની ગયેલી સમગ્ર સીમને જાણે કે કોઈએ ઊટકી–માંજીને ઉજમાળી બનાવી લાગતી હતી. તૃષિત જમીનના અંતઃસ્તલને મુશળધાર મેઘવૃષ્ટિએ પરિતૃપ્ત કર્યું હતું. ધરતીના કણેકણમાંથી એ પરિતોષ ફોરી રહ્યો હતો. મહિનાઓથી કોરી ધાકોર પડી રહેલી કાળી માડી મેઘસ્પર્શે મહેકી ઊઠી હતી. ઊઘડતી ઉષા જેવી અણબોટી તાઝગી ચારેય કોર દેખાતી હતી. માટી સાથે માનવીનાં અંદર પણ પુલકિત થઈ ઊઠ્યાં હતાં. ખેતરોમાં પડેલા ચાસમાં જળસિંચન થતાં, માનવીના લલાટે ઊપસેલી નૂતન ભાગ્યરેખાઓ સમા એ શોભતા હતા. એ એકેએક પરિતૃપ્ત ચાસ એના ખેડનારાઓ માટે મૃત્યુમાંથી જીવનની ગવાહી ગાઈ રહ્યો હતો. ધરતીને એનું સૌભાગ્ય સાંપડ્યું હતું અને એની સાથે માનવીને પણ ક્ષિતિજ પર પોતાના ભાગ્યોદયની ટશર ફૂટતી દેખાતી હતી. સમગ્ર વાતાવરણમાં એક નૂતન આશાનું અશ્રુત ગાન ગૂંજતું હતુ. સૌભાગ્યનષ્ટા ઊજમ અને સંતુનાં મન પણ આ ધરતીનું સૌભાગ્ય જોઈને કોળી ઊઠ્યાં હતાં.

બે વર્ષ પહેલાંની એ અગિયારસની જેમ આજે પણ વર્ષાનાં