પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ધરતીનું સૌભાગ્ય
૨૯૫
 

 સાધુઓ શેઢશેઢે આગળ વધતા હતા અને ભજનગાન પણ આગળ વધતું હતું :

રણશી ઘેાડાં પાવા જાય.
અવળા ને સવળા રેવત ખેલવે હે જી...

સંતુ થોડે આગળ ચાલીને ફરી આ મીઠાશભર્યા ભજનબોલ સાંભળવા ખમચાઈને ઊભી રહી ગઈ એટલે ઊજમે એને ટપારી :

‘ઈ તો ગાવાવાળા ગાયા જ કરશે, આમ ડગલે ને પગલે ઈ બાવા–સાધુને સાંભળવા ઊભી રૈશ તો તો આખા ખેતરમાં ઓરણી કરતાં સાંજ પડશે, ને તો ય આરો નહિ આવે !’

અને પછી સંતુને બદલે જાણે કે પોતાને જ અથવા તો કોઈક અણદીઠ વ્યક્તિને સંભળાવતી હોય એ ઢબે ઊજમ સ્વગતોક્તિઓ ઉચ્ચારી રહી :

‘એને જાચકને ને જોગટાવને શું ચંત્યા ? આપણે તો લોઈનું પાણી કરીને કણકણ વાવવાનાં ને એમાંથી જતન કરીને કળશી ઉગાડવાનાં. ઈ જાચક તો ચીપિયો ખખડાવતાક ને જે સીતારામ !’ કરીને તૈયાર રોટલો જમી જાવાના...’

સંતુ, ઊજમ અને ધોરી આગળ વધ્યાં, પણ જાણે કે એમને ફરી વાર થંભાવી રાખવા માટે જ ભજનબોલ ઉચ્ચારાયા :

સતી તમે કોના ઘરની નાર,
કિયા રે અમીર ઘરની નારડી હે જી...

આ વેળા તો ઊજમ પણ થોભી ગઈ. ઓરણીમાં બી ઓરી રહેલો એનો હાથ થંભી ગયો. જાણે કે યુગયુગાંતરનો પરિચિત સ્વર ઓળખવા એ મથી રહી.

સંતુએ કહ્યું : ‘આ ઓલ્યા આવ્યો આષાઢીવાળું ભજન ગાતા’તા ઈ માંયલા જ લાગે છે—’

પોતે હમણાં જેને જાચક-જોગટાઓ કહ્યા હતા એમને ધારીધારીને નીરખવા બલકે ઓળખવા ઊજમ અધીરી થઈ રહી.