પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૩૦૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ આડત્રીસમું
અને મૃત્યુમાંથી જીવન

સતીમાના ખેતર ઉપર ખાસ્સો મેળો જ ભરાઈ ગયો.

ગોબરની હત્યા થઈ ત્યારે, કે સંતુને એની ‘જડી’ સાંપડી ત્યારે જે મેદની ઊમટેલી એના કરતાં ય આજે વધારે ભીડ જામી.

દેવશીએ એના ગુરુભાઈ જોગીઓને વિદાય કરતાં કહ્યું : ‘ભાઈયું, મારે તો હવે આંયાકણે અધવચાળે જ વાયક આવી ગ્યાં ગણો. મારે તો પાટ ગણો કે જ્યોત ગણો ઈ હધું ય હવે આ મારી પરણેતર જ !’

ગુરુભાઈઓએ દેવશીને બહુ બહુ સમજાવી જોયો, પણ એ પોતાના નિર્ધારમાંથી ચલિત ન થયો.

‘ભાઈયું ! મારો નિજાર ધરમ હવે મારા ઘરની નીંજરીમાં જ. મારી ગત્યગંગા હવે આ મારા ગામની ધરતીમાં જ. આ ઢોરની પડખે ઢોર થઈને મારા ભાઈની ધણિયાણી જાત્યતોડ્ય કરે ને હું હાથમાં રામપાતર લઈને શું મોઢે ફરું ?’

ગુરભાઈઓએ પ્રલોભનો આપવામાં કશી બાકી ન રાખી. પણ દેવશી મક્કમ રહ્યો.

‘ભાઈયું ! હવે મારા મનનો પાટ તો આ લીલીછમ ધરતી જ. એના ઉપર ઘોડાપૂર મોલ લહેરાશે ઈ પાટનું લીલું પાથરણું થાશે, ને એને માથે જ્યોત પરગટાવવા મારે મંતર ભણવાની ય જરૂર નથી.’ કહીને દેવશીએ ઊજમ-સંતુનો નિર્દેશ કરીને સમજાવ્યું : ‘આ ઊભી જીવતી ને જાગતી સદાય પરગટ એવી ઝળહળ જ્યોતું—’