પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૮
લીલુડી ધરતી-૨
 

 આ સાથીઓને તો આખરે સમજાવીને વિદાય કરી શકાયા પણ ખેતર ઉપર જે જબરી ભીડ જામી એને ખસેડવાનું દેવશીનું ગજુ નહોતું. ખેતર અને વાડીપડામાં જાણે કે માણસોનું કીડિયારું ઊભરાઈ રહ્યું.

‘હાલો સતીમાને ખેતરે. હાદા પટેલનો દેવશી પાછો આવ્યો છે—’

‘જોગીની જમાતમાંથી ભેખ ઉતારીને પાછો આપણા ભેગો રે’વા આવ્યો છે—’

ભૂતેશ્વરને આરેથી ખેતરના શેઢા સુધી ગામનાં માણસોનાં નોર પડી રહ્યાં.

ભગવાં ને ભેખધારી દેવશીને પહેલી જ નજરે ઓળખી શકે એવાં બહુ ઓછાં માણસો હતાં. વખતી એને જોતાં વાર જ ઓળખી ગઈ. ભવાનદાએ પણ ઠુમરના આ કંધોતરને ઓળખી કાઢ્યો, આરંભમાં તો કેટલાંક વહેમીલાં માણસોએ શંકા પણ ઉઠાવી : આ જટાળો બાવો સાચે જ દેવશી છે કે પછી દેવશીને નામે છેતરવા આવ્યો છે ? પણ દેવશીએ પોતાની હેડીના એકેએક પરિચિતને એનાં નામ વડે જ સંબોધવા માંડ્યા, એમના વ્યવસાયો વિશે વાત કરી, સગાંસંબંધીઓના ક્ષેમકુશળ પૂછ્યાં, ત્યારે તો પેલા વહેમી લોકોનાં મનમાં રહીસહી શંકાઓનું પણ નિવારણ થઈ ગયું.

વલ્લભાનો હાથ ઝાલીને ધીમે ડગલે હાદા પટેલ ખેતરના ખોડીબારામાં પ્રવેશ્યા અને તુરત દેવશી દોડતોક ને પિતાના પગમાં પડવા ગયો, પણ હાદા પટેલે એને વાર્યો..

‘મને નહિ, સતીમાને જ પગે લાગજે. આજે સવારે સ્તવનમાં માએ ચોખોફૂલ હોંકારો ભણ્યો’તો કે દેવશી ઘેરે આવશે—’

અને પછી એના અનુસંધાનમાં મનશું ગણગણ્યા : ‘સાચાં સત્‌ તો તારી પરણેતરનાં જ. એના જ પુન્યપરતાપે તને ધરતીનો સાદ સંભળાણો.’