પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૩૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અને મૃત્યુમાંથી જીવન
૨૯૯
 

 અને દેવશી સતીમાના થાનક નજીક ગયો તો ત્યાં સંતુ પોતાની કાખમાં જડીને રમાડતી ઊભી હતી. વડીલોને જોઈને સંતુ જરા દૂર ખસી એટલે હાદા પટેલે દેવશીને સમજાવ્યું :

‘સતીમાને પરતાપે આપણા ઘરની મનષા ફળી, ગોબર પાછો થ્યા કેડ્યે એની જડી ખોવાઈ ગઈ’તી એને સતીમાએ પાછી ગોતી દીધી, ને બીજો ખોવાણો’તો તું; તને ય પાછો ગોતી દીધો.’

બોલતાં બોલતાં ગદગદિત થઈ ગયેલા હાદા પટેલ, કોઈનું ધ્યાન ન જાય એ રીતે આંખ લૂછી રહ્યા. એમને મન આજે દેવશીનું આગમન, એક જ પુત્રનું નહિ પણ પરબત, ગોબર ને દેવશીનું ત્રણેયનું સામટું પુનરાગમન બની રહ્યું હતું.

હર્ષાશ્રુ વહાવી રહેલી ઊજમની આંખ સુકાતી જ નહોતી. પણ ઊજમ કરતાં ય વિશેષ આનંદ જાણે કે વખતીને થતો હતો. એણે દેવશીને પૂછ્યું :

‘ગગા ! આટલાં વરહ ક્યાં રોકાણો’તો ? તારા નામનું તો અડદનું પૂતળું ય કામેસર ગોરે કરાવી નાખ્યું’તું—’

અને તુરત એના અનુસંધાનમાં પ્રશ્નોની પરંપરા ઊઠી : ક્યાં હતો ? ક્યાં હતો ? કયાં મલકમાં ઊતરી ગયો હતો ? શા કારણે તેં કંથા ધારી હતી ? શા માટે તેં ભગવાં પહેર્યાં હતાં ?

આ પ્રશ્નોની ઝડીનો દેવશી શી રીતે ઉત્તર આપે ?

બરોબર બાર વર્ષ પહેલાંની એ વાત. પોતે અતીત ઈશ્વરગીરીની ભાઈબંધી કેળવેલી અને ભૂતેશ્વરમાં પડ્યોપાથર્યો રહેતો. એવામાં એક ભજનમંડળીમાં એક મારગી સાધુ ભેટી ગયો. એણે આંબાઆબલી બતાવીને ભોળા દેવશીને ભોળવેલો. સૌરાષ્ટ્રનાં નાનાં નાનાં ગામોમાં એ સમયે શક્તિપંથના વિકૃત અવશેષ સમો વામાચાર પ્રચલિત હતો. દેવશીમાં નાનપણથી જ થોડી વિરક્ત મનોદશા તો હતી જ, અને એમાં આ વામમાર્ગીઓની ગુપ્ત રહેણીકહેણી જાણવાનું એને કુતૂહલ થયું. દૂરના એક ગામડે ‘ગત્ય’ બેઠી અને એમાં વાયક