લખાણ પર જાઓ

પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૩૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૦
લીલુડી ધરતી-૨
 

 આવતાં આ ભાવુક યુવાને એ ગુપ્ત લીલાઓના અડ્ડા પર પહેરેગીર સાથે ‘પંજા મિલાવ્યા.’ તુરત ‘ગુરુ’ એ આ ગરવા શિષ્યને પ્યાલો પાયો, અને દેવશી આત્મસાધનાને નામે ચાલતા આફંદમાં ફસાઈ ગયો.

પોતે કોઈ આત્મોન્નતિની પ્રવૃત્તિને બદલે નિષ્પ્રાણ પાખંડલીલામાં ફસાયો છે એવું દેવશીને ભાન થયું ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હતું. હવે પિતૃગૃહે પાછા ફરવાનું એને માટે સરળ નહોતું. પંથની ‘ગત્યગંગા’ છોડીને એ એકલપંથી બન્યો અને સ્થૂળ ક્રિયાકાંડીઓનો સંગ તજીને સાચા આત્મસાધકોનું શરણું શોધ્યું.

વર્ષો સુધી એ ભટકતો રહ્યો અને સાચા સત્સંગીઓની સાથે મલક આખો પગ તળે કાઢી નાખ્યો પણ પાછા ઘેર આવવાનું એને યોગ્ય ન લાગ્યું, કેમ કે અંતરમાં એક ડંખ હતો. કુટુંબના જ્યેષ્ઠ પુત્ર તરીકેની જવાબદારીઓ ખંખેરીને, આપ્તજનોને રઝળતાં મેલીને પોતે ચાલી નીકળ્યો હતો તેથી પુનરાગમન માટે એનો પગ ભારે થઈ ગયો હતો. જનક પિતાને અને પેલી પારકી જણી પરણેતરને પોતે કેમ કરીને મોઢું બતાવશે એવો ક્ષોભ એને સતાવી રહ્યો હતો.

સમય જતાં આ અંતરનો ડંખ દૂર થયો, ક્ષોભ ઓસરી ગયો, પણ સાથે સાથે કુટુંબ સાથે પોતાને સાંકળતી કડી પણ આપોઆપ દૂર થઈ ગઈ. સંસારી માયાનાં બંધન આમ વિચિત્ર રીતે તૂટી ગયાં. નિવૃત્તિનો લાંબો ગાળો જ એને નિર્લેપ ને નિર્મોહી બનાવી ગયો.

પણ પોતાના ખેતરની ધરતી પર સરાઈ ગયેલું ધાન્યવાવણીની પ્રવૃત્તિનું એક વિલક્ષણ અને સુભગ દૃશ્ય જ આ નિવૃત્ત માણસને પ્રવૃત્ત થવા પ્રેરી ગયું. શેઢેશેઢે ચાલતાં એણે પોતાનું ખેતર ઓળખ્યું; ઓરણી કરી રહેલી પોતાની અર્ધાંગનાને ઓળખી; સંતુને એ ઓળખતો નહોતો પણ અનુમાન કરી લીધું કે એ પણ ઠુમરના ખોરડાની જ કોઈ પુત્રવધૂ હશે. ક્યાં ગયા મારા બે ભાઈઓ ? ક્યાં ગયો પરબત ? ક્યાં છે ગોબર ? શા કાજે એક સ્ત્રીએ ઊઠીને ધોરીને