પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૩૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૬
લીલુડી ધરતી-૨
 

લખતાં જ નથી આવડતું’ એ મતલબનો ચુકાદો આપતા આ પત્રો આ નવલકથાથી એક સળંગ મલ્લિનાથી રૂપે આજે રસિક વાચન પૂરું પાડે છે. એમાં વ્યક્ત થયેલી પ્રશંસાથી અલબત્ત, કોઈ લેખકે પોરસાઈ જવાની જરૂર નથી. પણ એ અજાણ્યાં પત્રલેખકોએ ‘વિવેચક’ જેવું કશું ડોળઘાલુ નામ ધારણ કર્યા વિના કેવળ અંતઃસ્ફુરણાથી જ આ કૃતિ વિશે જે મનનીય અભિપ્રાયો વ્યક્ત કર્યા છે એનું મૂલ્ય મારે મન બહુ મોટું છે.

મારી પોતાની કાચી યાદદાશ્તની પૂર્તિરૂપે યોજાયેલાં ટાંચણપાનાં, એની નીપજ રૂપે તૈયાર થયેલી આ નવલકથા, અને એના ઉપર સળંગ ‘કોમેન્ટરી’ રૂપે સાંપડેલી અસંખ્ય સહૃદય વાચકોની કાલીઘેલી પણ અત્યંત પ્રામાણિક, નિખાલસ વિવેચના આજે સાચે જ એક રોમાંચક આશ્ચર્યનો અનુભવ કરાવે છે. કશી હૂડબડાઈ કર્યા વિના પણ એટલું તો વિનમ્રપણે પણ કહ્યા વિના રહેવાતું નથી કે આ નવલકથા આકાર પામી શકી એને હું એક સુખદ અકસ્માત જ ગણું છું. કોઈક અદૃષ્ટ અંગુલિ આ કથા લખાવી ગઈ, કે કોઈક ‘શક્તિ’ આવીને પીઠ પાછળથી ‘પ્રેરણાનાં ગુલાબો’ આપી ગઈ, એવી વાહિયાત વાતો કરીશ તો રખે ને કહેવાતા ‘પોંડિચેરિયા’ સાધકોની જમાતમાં ખપી જઈશ, એવા ભયથી આવી ઉક્તિઓ ટાળું છું. નિખાલસપણે એટલું જ કહું છું કે આ કૃતિ લખતાં લખાઈ ગઈ છે. એ માટેની કશી મોટી પૂર્વતયારી નહોતી. વાર્તાનું ફલક આટલું મોટું વિસ્તરશે એવી પણ કલ્પના નહોતી. મેં પસંદ કરેલ પશ્ચાદભૂ અને પાત્રસૃષ્ટિમાં આટલી શક્યતાઓ રહેલી છે એનો પણ આરંભમાં ખ્યાલ નહોતો. તેથી જ, આ કૃતિને એક કુદરતી ‘પ્રસાદી’ સમી સમજું છું. આ કૃતિની મારે મન ફલશ્રુતિ એ છે કે એના લેખનપ્રયોગે મને નવલકથામાં રહેલી અપરંપાર શક્યતાઓનો ખ્યાલ આપ્યો છે એની ગુંજાશની પ્રતીતિ કરાવી છે; પ્રસ્તુત કૃતિ કોઈ