પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૩૧૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રયોગના અંતે
૩૦૭
 

અસાધારણ ગુંજાશ ધરાવે છે એવું કહેવાનો આશય નથી. પણ આ સાહિત્યસ્વરૂપમાં હજી કેટલું બધું ખેડાણ થઈ શકે એમ છે, એની નવી નોખી દિશાઓ મને આ લેખન મારફત સૂઝી છે. અને એથી ય અદકો લાભ તો એ થયો છે કે મારી પોતાની લેખિનીમાં મને એક નવો વિશ્વાસ પેદા થયો છે. વાંચનારને આ કથન કદાચ વિચિત્ર લાગશે, પણ મારે માટે એ સર્વાંશે સાચું છે. ‘વ્યાજનો વારસ’ લખ્યા પછી નવલકથાના ક્ષેત્રમાં મને બહુ રસ રહ્યો નહોતો. ઘણાં ઘણાં કથાવસ્તુઓ વિચારી વિચારીને આખરે લખ્યા વિના છોડી દીધાં હતાં. વસ્તુ સૂઝે, મનનાં પ્રસંગગૂંથણી ગોઠવાય, પણ આખરે એ વસ્તુ જ અતિ સામાન્ય લાગવાથી એને કાગળ પર ઉતારવાનું માંડી વાળતો. બધાં જ કથાવસ્તુઓ ચીલાચાલ, સામાન્ય કવચિત્ તો બાલિશ જેવાં લાગતાં. અને એમાં લગભગ આકસ્મિક જ કહી શકાય એ રીતે આ કથાની રચના થઈ ગઈ અને આ સાહિત્યસ્વરૂપ અંગેની આખી મનોદશા જ બદલાઈ ગઈ.

આ પ્રક્રિયાનાં કારણો તો મને પોતાને ય બહુ સ્પષ્ટપણે સમજાતાં નથી. એમ લાગે છે કે ઢાંચાઢાળ કથાવસ્તુઓથી હું કંટાળ્યો હતો; એકનાં એક જ બીબાં જે અબખે પડી રહ્યાં હતાં એમાંથી કશુંક અ–રૂઢ આલેખવાની ઝંખના હતી. પણ એવા લેખનપ્રયોગની સફળતા વિશે મનમાં ઊંડેઊંડે થોડી અશ્રદ્ધા હતી. એ અશ્રદ્ધા આ કથાના લેખન મારફત અંશતઃ ઓસરી ગઈ, એ મારે મન બીજા કશા ય કરતાં અદકી મૂલ્યવાન સંપ્રાપ્તિ છે.

અને આવી શ્રદ્ધા પ્રેરવામાં, કથાના હપ્તાવાર પ્રકાશન દરમિયાન ઘણાં નામી–અનામી વાચકોએ આપેલા સથવારાનો હિસ્સો નાનોસૂનો નથી. કથાનું હપ્તાવાર લેખન ‘છાપાળવું’ ગણાય છે. ‘ઉન્નત-ભ્રૂ’ વિવેચકો એને ફરમાસુ માલ ગણીને વાંચવાનો ય ઈન્કાર કરે છે, એ હકીકત મારાથી અજાણ નથી. એકેક હપ્તા માટે યોજાયેલાં કથાનાં પ્રકરણો અને ખંડકોમાં એક પ્રકારની કૃત્રિમતા પ્રવેશી જાય