પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૩૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૮
લીલુડી ધરતી-૨
 

છે. હપ્તાવાર નવલલેખનમાં અસાધારણ સફળતા પ્રાપ્ત કર્યા પછી પણ ડિકન્સે ફરિયાદ કરેલી કે ‘દરેક હપ્તે મને Elbow space–ભરપૂર જગ્યા—નથી મળતી.’ ઘણી વાર એવું પણ બને કે કોઈ હપ્તો તૈયાર કરતી વેળા લેખક સાવ શૂન્યચિત્ત હોય છતાં તાણીતૂસીને પણ પ્રકરણ તો પૂરું કરવું જ પડે. "ડૅવિડ કોપરફિલ્ડ"માં એક સ્થળે ડિકન્સની આવી સખત કફોડી સ્થિતિ થયેલી એ વાત જાણીતી છે. પોતે સાવ શૂન્યચિત્ત હતો, અને કથાને શી રીતે આગળ ધપાવવી એ અંગે કશું જ સૂઝતું નહોતું. કથાનાયકને એક રાજમાર્ગની એક બાજુની પગથી પરથી સામી પગથી પર પહોંચાડવા સિવાય બીજી કોઈ ગતિ કે પ્રગતિ એ સાધી શકે એમ નહોતો. પણ એટલી નાની-શી ‘ગતિમાં પણ–એક વૃદ્ધાએ આવીને બાળનાયકનો હાથે ઝાલીને એને રસ્તો ઓળંગાવી દીધો—એટલા જ નાનકડા પ્રસંગમાં આખા હપ્તાની પેલી Elbow space શી રીતે પૂરી કરવી ? ડિકન્સે આખરે પેલી પરગજુ ડોસીનું જ વર્ણન કરીકરીને આખો હપ્તો કાંતી કાઢ્યો. અલબત્ત, કથામાં કલાદ્રષ્ટિએ આ એક ઊણપ હતી, કૃત્રિમતા હતી. પણ વિવેચકો કહે છે કે ડિકન્સે આલેખેલી પેલી ડોસીનું હૂબહૂ ચિત્રણ આંગ્લ સાહિત્યમાં ફરી વાર કદી જોવા મળ્યું નથી. કલામાત્ર કૃત્રિમ છે. પણ એ કૃત્રિમતા કેટલી કલાત્મક છે એના ઉપર જ એની જીવાદોરીનો આધાર છે. ડિકન્સની ધારાવાહી કથાનો એકેક હપ્તો વાંચી નાખવાની તાલાવેલિમાં ઇંગ્લેંડના ગ્રામવિસ્તારના વાચકો માઈલો સુધી પગપાળા ચાલીને પોસ્ટ-ઑફિસે જઈ બેસતાં એ ઉપરથી લાગે છે કે પેલી કૃત્રિમતા પણ કલાત્મક હોય તો એની રસનિષ્પાદકતામાં બાધ નથી આવતો.

‘લીલુડી ધરતી’ ના આલેખન દરમિયાન વાચકોએ આપેલો સથવારો મારે માટે તો પ્રોત્સાહક બનવા ઉપરાંત શિક્ષણાત્મક પણ બની રહ્યો છે. અલબત્ત, આવા પ્રોત્સાહનથી બેહદ પોરસાઈ જવાના ભયસ્થાન અંગે તો ઉપર નિર્દેશ કર્યો જ છે. અખબારી વાચકોના