પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૩૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રયોગના અંતે
૩૦૯
 


અભિપ્રાયો, એમના ગમા-અણગમા કે સલાહસૂચનોને વધારે પડતું મહત્વ આપી બેસીને એમાંથી માર્ગદર્શન મેળવવાની હદે જવાના કિસ્સાઓ પણ ભૂતકાળમાં આપણે ત્યાં નોંધાયા છે. મેં આ કથાનો દિશાદોર વાચકોના હાથમાં નથી સોંપ્યો, કે નથી એમની સલાહ સૂચના મુજબ કથાને વળાંક આપવાનો પ્રયત્ન કર્યો. ઘણા વાચકોની ઘણી ઘણી સૂચનાઓ અવગણીને કથાને મારી પોતાની સમજ અનુસાર જ આગળ ધપાવી છે અને પરિણામે કેટલાંક વાચકોને નિરાશ અને બીજા કેટલાંકને નારાજ કર્યાં છે એ બદલ મારે એમની માફી જ માગવાની રહી.

ઉદાહરણ તરીકે, કથાના પહેલાં જ પ્રકરણમાં ગિધા લુહાણા માટેનું ‘લુચ્ચો’ વિશેષણ વાંચીને એક વાચકનો અત્યંત રોષભર્યો પત્ર આવી પડ્યો અને એણે એ વિશેષણ રદ કરવાનું સૂચન જ નહિ, આગ્રહ કરેલો. આરંભિક ચારેક પ્રકરણો પ્રગટ્યા પછી કથાની ખેડુ જીવનની પશ્ચાદ્‌ભૂ જોયા પછી કેટલાક સાહિત્યરસિકોએ ખેડૂજીવન આલેખવાની મારી પાત્રતા અંગે શંકા વ્યક્ત કરેલી, અને ‘ખેડૂતોનું જીવન આલેખવાનો તમારો અનુભવ શો ? અધિકાર શો ?’ જેવા પ્રશ્નોથી માંડીને ‘હજી ય આ પ્રયત્ન છોડી દો’ જેવી શાણી સલાહ આપેલી; અને આખરે ‘આમાં તમે નિષ્ફળ જશો’, ‘આગલી પ્રતિષ્ઠા પણ ગુમાવી બેસશો’, એવી એવી આગાહી કરેલી.

આવી આગાહીઓને તબક્કે હું પોતે જરા વિચારમાં પડી ગયેલ. બલકે, આરંભેલી કથાની રસજમાવટ અંગે હું જરા સાશંક પણ બનેલો. ગ્રામજીવનની ઘણીખરી નવલકથાઓમાં પણ શહેરીજીવનની કથાઓ જેવો જ જે પ્રણયત્રિકોણ આલેખાય છે, એના ઉપર મેં બહુ મદાર બાંધેલો નહિ. ખેડુજીવનના આલેખનમાં પણ સિનેમાશાહી રોમાન્ચ ઠાંસીઠાંસીને ભરવાની જે ફેશન ચાલી છે એ ‘રોમાંચક રોમાન્સ’નો આ કથામાં છાંટો પણ નહોતો.. દિનરાત કાળી મજૂરીમાં જોતરાયેલાં અભણ શ્રમજીવીઓ કવિ જયદેવને ય ઝાંખો પાડે એવા