આવા ‘હોંશથી વાંચનાર’ ભાઈબહેનોને વાર્તાના સુખાંત કે કરુણાંત અંગેના મારા ખ્યાલો કથાને મઝધારે સમજાવવા જેટલો એ વેળા આવકાશ નહોતો રહ્યો. પણ માની લઉં છું કે કથાનો ઉત્તરાર્ધ વાંચ્યા પછી એમના મનનું સમાધાન અંશતઃ પણ થઈ શક્યું હશે. એવું એવું ‘સમાધાન’ ન થઈ શક્યું હોય તો એટલી આ સરજતની કચાશ સમજવી.
ગોબરના મૃત્યુ પછી સંતુ ઉપર જે વીતકો વીત્યાં એમાં રહેલી વિધિવક્રતા કેટલાક વાચકોએ પ્રમાણેલી, ત્યારે કેટલાકને એ અસહ્ય લાગેલી. એક વયોવૃદ્ધ વેપારી મારી ઓફિસ શોધતાશોધતા આવી પહોંચ્યા અને રૂબરૂ ફરિયાદ કરી રહ્યા : ‘સંતુને આટલાં બધાં દુઃખ હોય ? હાદા પટેલ જેવા ધરમીને ઘેરે જ ધાડ જેવું કરો છો ? જરાક તો દયા રાખો !…’ એ વૃદ્ધની વેદના જોઈને મને દુઃખ થયું. એમના સાંત્વન ખાતર મેં શેષ કથાનો સાર કહી સંભળાવ્યો. કથા અંતે દેવશીનું પુનરાગમન થનાર છે એવી આગોતરી બાતમી પણ એમને આપી દીધી. પણ કોઈ રીતે એમનો ઉદ્વેગ ઓછો ન થયો. એ તો ફરિયાદ કરતા જ રહ્યા : ‘હવે દેવશી આવે તો ય શું અને ન આવે તો ય શું ! આટલું બધું બગાડી માર્યું. એ હવે કેમ કરીને સુધરે ? બધું બગાડી માર્યું, બધું બગાડી માર્યું…’
આવા આવા અનુભવો થયાં ત્યારે સ્વાભાવિક જ એરિસ્ટોટલે બાંધેલી સૌદર્યદૃષ્ટિની યાદ તાજી થતી રહેલી, કે કોઈ પાત્રને, બિલકુલ અનિવાર્ય હોય એથી વધારે પ્રમાણમાં દુષ્ટ, ખલ કે ખરાબ ન ચીતરવાં. કથાને આરંભે જે કહ્યું છે એ અહીં સ્પષ્ટ કરવા માગું છું કે આ કથામાં કોઈ જ પાત્ર મારે મન નિર્ભેળ ખલ કે નિર્ભેળ દુષ્ટ નથી. જીવો ખવાસ, ઠકરાણાં, માંડણ, નથુ સોની કે અજવાળીકાકી, કોઈ જ નહિ. જિદંગીની શતરંજ પર પોતાની ચાલ એ પાત્રોના હાથમાં નથી, સંજોગોના હાથમાં છે. સમરસેટ મોમના એક પુસ્તકનું શીર્ષક ‘Creatures of Circumstances’