પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
લીલુડી ધરતી-૨
 


સાંજે ગામ આખું ભૂતેશ્વરના મંદિરના ભોળા શંભુનાં દર્શને એકઠું થયેલું ત્યારે અજવાળીકાકીએ એ ધર્મકામ પતાવ્યા પછી પાછાં વળતાં સ્ત્રીવૃંદ વચ્ચે ‘કર્મ’ની વાત કાઢેલી.

‘હવે તો દેવ ગ્યા ડુંગરે ને પીર ગ્યા મક્કે... માણસને ધરમની આસ્થા જ ક્યાં રહી છે ? ભગવાનનો ભો જ સંચોડો હાલ્યો ગ્યો છ... નીકર આ સંતડીએ કર્યું એવું કાળું કામ કોઈ કરે ખરાં ?’

‘સંતડીએ શું કાળું કામ કરી નાખ્યું, અજવાળીકાકી ?’ પછવાડે જ ટોળામાં આવી રહેલી હરખે મોટેથી પૂછ્યું.

‘કોણ બોલ્યું ઈ ? ટીહલાની હરખી ?’

‘હા, હું હરખી !’

‘દીકરીનું બવ દાઝ્યું કાંઈ ?’

‘દાઝે જ ને ? આવાં ન બોલ્યાંનાં વેણ બોલતાં જરા ય વચાર નથી થાતો ?’

‘તારી દીકરીને કાંઈ કાળીગોરી કહી નાખી મેં ?’

હવે હરખે તીખે અવાજે સંભળાવ્યું :

‘કાળું કામ, કાળું કામ, બોલતાં શરમાતાં નથી આવડાં ગલઢાં આખાં ?’.

‘પણ ઈ શેજાદીને એવું કામ કરતાં શરમ ન આવી તો અમને બોલવામાં શેની શરમ ?’

‘એવું તી કયું કામ કરી નાખ્યું છે ?’ હરખે હિંમતભેર પૂછ્યું, ‘મારી છોકરીએ કાંઈ ચોરી-છિનાળવું કર્યું છે ?’

‘ચોરી-છિનાળવું !’ અજવાળીકાકીએ આ બે શબ્દો એવા તો વિચિત્ર લહેકાથી ઉચ્ચાર્યા કે અડખેપડખે ઘેરો વળીને ઊભેલી સહુ સ્ત્રીઓ કશાક ધડાકાની અપેક્ષામાં જ સ્તબ્ધ થઈ ગઈ. અજવાળી કાકીએ ઉમેર્યું : ‘ચોરી-છિનાળવાં માથે તી કાંઈ શિંગડાં ઊગતાં હશે ? બે આંખવાળું માણહ ગામમાં નજરોનજર ભાળે છે.’