નથુબાપાની હાટને ઊંબરે આખો દિ’ બેઠો રે’તો’તો ઈ જ... મરે મુવો... જડીનું બચારીનું જીવતર રોળી ગિયો...’
હવે અજવાળીકાકીને ભાન થયું કે અહીં ઊભા રહેવું સલાહભર્યું નથી. પોતે આળ ચડાવવા ગયાં સંતુ ઉપર, પણ આળ આવ્યું પોતાની જ પુત્રી ઉપર; પોતે વગોવણી આદરી સંતુની, પણ આખરે વગોવણી થઈ ગઈ જડાવની ! સંતુ જોડે શાદૂળનું નામ સંડોવવા જતાં જડી અને સામતા આયરનાં નામનો જ ધજાગરો બંધાઈ ગયો એ હકીકતનું ભાન થતાં એમણે હવે હરખની બોલતી બંધ કરવા ઝટપટ બહાદુરીપૂર્વક ઘરભેગાં થઈ જવાનું જ ગનીમત ગણ્યું.
અને જતાં જતાં તેઓ પોતાની બહાદુરી બતાવવા ખાતર હરખને અનેકવિધ ધમકીઓ પણ આપતાં ગયાં :
‘જોજે તો ખરી રાંડ ગધેડી ! મને ઢીંકો માર્યો છે, પણ તને જેલમાં ન પુરાવું તો મારું નામ અજવાળી નહિ... ટીહલાને ગુંદાસરનો ટીંબો છોડાવું તો કહેજે કે હા...’
જડીના જીવનનું અત્યંત ગુપ્ત રહસ્ય આમ ઊભી શેરીએ જાહેર થઈ જાતાં અજવાળીકાકી બહુ અસ્વસ્થ થઈ ગયાં હતાં. પોતાની ખડકી તરફ નાકું વળતાં હરખ તો ઘણી ય દૂર પડી ગઈ હોવા છતાં તેઓ આંતરિક અસ્વસ્થતા ઓછી કરવા ખાતર હરખને ઉદ્દેશીને સંભળાવી રહ્યાં હતાં :
‘ટાંટિયો વાઢી નાખશ... નાને પંડ્યે નાની ને મોટાં માણહ હાર્યે લવારો કરવા આવી છે !... જીભડો ખેંચી લઈશ જીભડો !... અડદ ને મગ ભેગાં ભરડતાં શીખી છો, પણ ભોંયમાં ભંડારી દઈશ, ભોંયમાં !...’
ખડકીના ઊંબરામાં પ્રવેશ કરતાં ય એમની સ્વગતોક્તિઓનો વાક્પ્રવાહ તો અસ્ખલિત જ વહેતો હતો :
‘મારા હાળાં ભૂડથાંવની ફાટ્ય તો જો વધી છે !... લોકિયાં