લખાણ પર જાઓ

પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બે કલંકિની
૨૯
 


વરણ ઊઠીને ઉજળિયાત માણહને ધડ કરતોક ને ઢીંકો મારી જાય એટલે તો હાંઉ ને !.... પણ હું ખરી તો ટીહલાની સાત પેઢીની ઓખાત ખાટી કરી નાખું !.... હરખી રાંડ પોલાળું ભાળી ગઈ છે. પણ ફોજદારી ન નોંધાવું તો મારું નામ અજવાળી નહિ—’

‘શું થયું, મા ? શું થયું ?’ ઊંબરામાં પ્રવેશતાં જ જડીએ પૂછ્યું.

‘થાય શું ? સાવરણી ને સૂંથિયાં ? પણ રાંડને જેલમાં જ પુરાવું—’

‘કોને ?’

‘ઓલી ટીહલાની હરખીને. જીભડો હાથ એકનો વધાર્યો છે, અને.’

‘પણ શું કામે ?’

‘શું કામે ? મને વાંહામાં ઘમ્મ કરતોકને ઢીંકો મારી લીધો વંતરીએ ! હવે તો ગોલકીને પાકી જેલમાં જ પુરાવું.’

જડીએ પૂછ્યું : ‘પણ ઢીંકો અમથો અમથો જ મારી લીધો ? કે કાંઈ બોલાચાલી થઈ’તી ?’

‘એની નભાઈની જીબ બવ વકરી છે. હમણાં સો માણહની વચાળે તારી આબરુ ઉઘાડી પાડી ભૂંડણ્યે...’

સાંભળીને જડીના પેટમાં ધ્રાસકો પડ્યો. પોતે સગર્ભા બની ત્યારથી આ આબરુનો હાઉ એને અહોનિશ પજવી રહ્યો હતો. જાગતાં ને ઊંઘતાં કોઈક ભયંકર દુઃસ્વપ્નની જેમ એની યાદ વારંવાર તાજી થયા કરતી હતી. અત્યારે સો માણસની વચ્ચે કોઈએ પોતાની વગોવણી કરી હોવાની હકીકત માતાને મોઢેથી સાંભળીને એ વધારે ગભરાઈ ગઈ.

‘મા ! એણે શું કીધું, શું કીધું ?’

‘શું કિયે બીજું ? મુવું મને તો બોલતાં ય શરમ આવે.