પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બે કલંકિની
૩૧
 

 ‘ઈ આવે ઈ ભેગા જ ફોજદારી નોંધાવું. ઈ બે દોકડાની કણબણ્ય ઊઠીને મારી દીકરીને વગોવી જાય તો તો હાંઉં થઈ ગ્યું ને ?’

‘મા, હવે મારી વધારે વગોવણી કરવી રે’વા દિયોની !’

‘કેમ ભલા ? ઈ સોઢીને સારીપટ પાંહરી કર્યા વન્યા મને સખ નહિ વળે.’

‘પણ આમાં તો બવ ચોળ્યે ચીકણું થાય. બોલ્યું બાર્ય પડે ને રાંધ્યું વરે પડે—’

‘સૌનાં સાંભળતાં એણે સામતકાકાનું નામ પાડી દીધું ઈ હું સાંખી લઉં ?’

હવે જડીએ ન છૂટકે બેસવું પડ્યું. તૂટક તૂટક શબ્દો ઉચ્ચાર્યા : ‘સામતકાકાની આંખ્યમાં તો સગા બાપથી ય સવાયું હેત ભર્યું છે—’

‘ઈ રાખહ—’

‘રાખહ નથી, દેવ છે, મા !’

‘તારો અવતાર રોળી નાખનાર માણહને તું દેવ ગણીને–’

‘દેવ ગણીને પૂજવો પડે એવો છે—’ કહીને જડીએ આખરે અંતરની વાત કહી જ દીધી. ‘એણે મારો અવતાર નથી રોળ્યો—’

‘એણે નહિ તો કોણે ?’ કહીને અજવાળીકાકીએ પુત્રીના દેહ પર તાતી નજર નોંધી.

ફરી જડી મૂંગી થઈ ગઈ...

પુત્રીનું મૌન હવે માતાને વધારે અકળાવી રહ્યું. જાણે કે જીભને બદલે પેલી તાતી નજર વડે જ એમણે નિર્દેશ કરીને પૂછ્યું :

‘આ પાપ ?—’

‘સામતકાકાનું નથી—’

બસ. સોયમાં સોંસરવાં નીકળી શકે એવાં અજવાળીકાકીને હવે વધારે ખુલાસાની આવશ્યકતા ન રહી. કેવળ સ્ત્રીહૃદયોમાં જ સંભવી શકે એવી કોઈક ઈશ્વરદત્ત અંતઃસ્ફૂરણાથી જ તેઓ બધું સમજી ગયાં. ગુનેગારની મૂર્તિ એમની સમક્ષ આવી ઊભી. એના