એણે નિર્ભય બનીને સંભળાવ્યું :
‘તો તો પછી હવે તારો ધણી પંડ્યે જ આવીને સાચી વાત કહી જાય તો થાય !’
‘મહાણે ગ્યાં મડદાં એમ બરક્યાં ભેગાં પાછાં આવતાં હશે ?’ સંતુએ આખરે જીવ પર આવીને સંભળાવી દીધું, ‘હવે તો હું પંડ્યે જ મહાણ ભેગી થઈને મારા ધણીને પૂછી આવું તો તમને ધરપત થાય ?’
‘તારે શું કામ મહાણ ભેગું થાવું પડે ? તું તો એઈ... ને મૂળાને પાંદડે મજો કર્ય ની ! જી માણહ આડો નડતો’તો એને તો તેં વધેરી નાખ્યો છે—’
‘મેં વધેરી નાખ્યો ? અરરર... આવું બોલતાં તમારી ઉપર આભ કાં નથી તૂટતું ? તમારાં કાળજાં લોહીનાં છે કે લોઢાનાં ? ઉપર બેઠો છે ઈ હજાર હાથવાળો તમારો જવાબ નહિ માગે ?’
રાત ભાંગતી ગઈ તેમ તેમ બે સ્ત્રીહૃદયો વચ્ચેની આ ચકમક વધારે ઉગ્ર બનતી ગઈ.
ભૂતેશ્વરની વાડીમાં ભજનની રમઝટ જમાવી રહેલાં દોકડ ને મંજીરાંના તાલ સંભળાઈ રહ્યા હતા. ગામને પાણીશેરડે જળ જંપી ગયાં હતાં. એ નીરવ શાંતિમાં જાણે કે ખલેલ કરવા જ, ક્યાંય નહોતો ત્યાંથી ઓચિંતો ગોકીરો ઊઠ્યો; ઊભી બજારે હો...હા ને ધાગડિયો થઈ પડ્યો. ભડાક ભડાક અવાજો સાથે દુકાનોમાં ‘મારો ! મારો !’ નો દેકારો ઊઠ્યો. શાંત નીંદરમાં સૂતેલી શેરીઓમાં હડિયાપાટી થઈ રહી. આગળિયા વાસેલી ખડકીઓનાં કમાડ ફટોફટ ઊઘડ્યાં ને પાછાં ધડોધડ ભિડાઈ ગયાં. સૂમસામ રસ્તા ઉપર ધડબડાટી બોલી રહી. શ્વાનનિદ્રા લઈ રહેલો ડાઘિયો કૂતરો જાગી ઊઠ્યો ને ભયગ્રસ્ત અવાજે ભસવા લાગ્યો.
હાદા પટેલની ગેરહાજરીમાં એકલાં પડેલાં બન્ને સ્ત્રીહૃદયો આ ગોકીરો સાંભળીને ગભરાઈ ગયાં. ઊજમે ઊઠીને ખડકીનાં કમાડ