પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
લીલુડી ધરતી-૨
 

 મૂંગી નોંધ લીધેલી અને છેક ઠકરાણાં સુધી એનો અહેવાલ પહોંચાડેલો.

ખીજડાના થડ જોડે બંધાયેલો માંડણ આખરે જ્યારે ચકચૂર સ્થિતિમાં લથડિયું ખાઈ ગયેલો ત્યારે રઘાએ સહુ સાંભળે એ રીતે ટકોર કરેલી :

‘કણબીનો દીકરો ઊઠીને આવા કફને ચડી ગ્યો ! સંગત એવી અસર... ઓલ્યે શાદૂળિયે આ છોકરાનો ઘાણ કાઢી નાખ્યો... ગામના, ફટાયાને રવાડે ચડ્યો, એમાં નખોદ નીકળી ગ્યું...’

‘સાચી ભાઈબંધી કોનું નામ ?’ કોઈએ રઘાના કથને ટેકો આપેલો. ‘શાદૂળિયે રૂપલી રબારણને ગોળીએ દીધી’તી તો માંડણિયે આ ગોબરને ગા૨દ કરી નાખ્યો. શાદૂળની જનમટીપમાં સથવારો પુરાવવા ન જાય તો સાચો ભાઈબંધ શેનો ?’

આ સંવાદ જીવા ખવાસે શબ્દશઃ સમજુબાને મોઢે પહોંચાડેલા.

અને પછી તો પંચનામામાં પણ રઘાએ બહુ આગળ પડતો ભાગ લીધેલો. બધી જ જૂની વફાદારીઓ જતી કરીને એને શંકરભાઈ ફોજદાર સમક્ષ માંડણ, શાદૂળ, સંતુ અને ગોબરનાં પૂર્વવૃત્તાંતો ૨જૂ કરેલાં. સંતુ પર ઓઢાડતું હત્યાનું આળ તદ્દન તર્કટી છે, માંડણ જ દારૂના નશામાં સુરંગ ઉપર પલિતો ચાંપીને ગોબરને મારી નાખ્યો છે, એમ એણે પંચનામામાં સ્પષ્ટપણે લખાવેલું.

આ અને શાદૂળ અંગેના કેટલાક ચોંકાવનાર આક્ષેપો સમજુબાને કાને પહોંચ્યા ત્યારે તેઓ મનમાં ને મનમાં સળગી ઊઠેલાં. એમને થયું કે આ માણસ હવે હાથથી જઈ રહ્યો છે. શાદૂળનું અને સમજુબાનું જીવનરહસ્ય રઘાના હાથમાં હતું એ બદલ તેઓ રઘાનાં ઓશિયાળાં થઈને રહ્યાં હતાં અને બદલામાં રઘો પણ દરબારના કુટુંબનો કહ્યાગરો બની રહ્યો હતો. પણ થોડા સમયથી આ પારસ્પરિક ઓશિયાળા સંબંધોમાં એક સૂક્ષ્મ પરિવર્તન થઈ રહ્યું હતું; અને એમાં એણે ગોબરની હત્યા વેળાએ જે વલણ લીધું એથી તો સમજુબાની ચિંતામાં વિશેષ ઉમેરો થયો.