પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારુ જીવતર લાજે !
૪૩
 

 આવા ચિંતાજનક પ્રસંગોએ ઠકરાણાંને એવી ટેવ હતી કે પંચાણભાભાને હૉટેલે મોકલીને રઘાને તેડાવવો. આ વેળા એમણે પંચાણભાભાને મોકલ્યો તો ખરો, પણ ‘અંબાભવાની’માં નહિ, ‘રામભરોંસે’ને આંગણે. સમજુબાએ રાબેતા મુજબ રઘાને તેડાવવાને બદલે જીવા ખવાસને બોલાવ્યો.

જેલમાંથી છૂટીને આવેલા આ ખૂટેલ પ્રત્યે સમજુબાને આટલું બધું વહાલ શા કારણે ઊભરાઈ રહ્યું છે એ એક રસપ્રદ રહસ્યનો વિષય બની ૨હેલ. એ અંગે ગામમાં તરેહતરેહના તર્ક થતા હતા. એક વાયકા એવી હતી કે જીવો જેલમાંથી કોઈક ભેદી કરામત શીખી લાવ્યો છે, અને એમાં ઠકરાણાંને આર્થિક લાભ દેખાયો છે. સમજુબાએ અને જીવાએ મળીને કશોક સહિયારો ગુપ્ત વેપાર પણ શરૂ કર્યો છે. બીજી વાયકા એવી હતી કે જીવાના બાપ પંચાણભાભાનાં માનપાન આજકાલ બહુ વધી ગયાં છે, તેથી જીવાને પણ હથેળીમાં રાખવો પડે છે. ગમે તેમ, પણ સમજુબાએ પોતાના અસ્તિત્વ માટે વ્યૂહ બદલાવ્યો હતો એ તો ચોક્કસ. હવે એમને પોતાની સલામતી માટે રઘો ભયરૂપ લાગતો હતો; બીજી બાજુ જીવો જાણે કે ડૂબતાનો તારણહાર બની રહ્યો હતો.

એ તારણહારને તેડાવીને ઓછાંબોલાં ઠકરાણાંએ મિતાક્ષરી ફરિયાદ કરી :

‘આ રઘલો રોયો આડો ફાટ્યો છે.’

‘બા કિયે ઈ ભેગો ઈને પાંહર્યો કરી નાખીએ.’ જીવાએ ફરિયાદ જેટલો જ મિતાક્ષરી ઉકેલ સૂચવ્યો.

‘ઈ ભામટે મારી ઊંઘ ઉડાડી મેલી છે.’

‘બા હકમ દિયે તો ઈ ભામટાને ભૂંહી નાખીએ—’ જીવાએ બીડું ઝડપ્યું. ‘ભૂંસી નાખવું’ એ શબ્દપ્રયોગ રિયાસતી ઠકરાતોમાં સોવિયેટની ‘લિક્વિડેશન’ ક્રિયાના પર્યાય રૂપે વપરાતો. આ પૃથ્વીના પટ પરથી રઘાનું અસ્તિત્વ જ ભૂંસી નાખવાની, એનું નામોનિશાં