પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
લીલુડી ધરતી-૨
 


મારવાનું સોનેરી સૂત્ર જીવાએ એ સૂત્રના સર્જકની સામે જ અજમાવ્યું.

ભાદરવાની અજવાળી ત્રીજે રઘો શાપરની અદાલતમાં માંડણની વિરુદ્ધ જુબાની આપવા જાય એ પહેલાં જ શ્રાવણના છેલ્લા સોમવારની રાતે જીવાએ ભાડૂતી માણસો રોકીને રઘા ઉપર ઘા કરી લીધો હતો. પોતે પડદા પાછળ રહીને એવો તો સરસ નુસખો અજમાવ્યો હતો કે કોઈ ઉપર સીધો આરોપ ન આવી શકે, કોઈ એક જ વ્યક્તિ ઉપર ફોજદારી ન થઈ શકે, રઘો મરે નહિ પણ અપંગ થઈ જાય અને અંબાભવાની હંમેશને માટે બંધ થઈ જાય. સાપ મરે નહિ, લાકડી ભાંગે નહિ, અને છતાં અપેક્ષ્ય હેતુ પૂરેપૂરો સિદ્ધ થઈ જાય એવો આ વ્યૂહ આબાદ સફળ થયો હતો.

આખેઆખો વઢાઈ જાય તો ય ઉંકારો ન કરે એવો રઘો મૂઢ મારની વેદનામાં નાના બાળકની જેમ બોકાસાં પાડી રહ્યો હતો એ જોઈને ઈશ્વરગિરિની આંખમાં આંસુ આવ્યાં.

ટપુડો એનાં ઓજાર લઈને આવી પહોંચ્યો એટલે હાદા પટેલે એને ખખડાવ્યો :

‘એલા, ખરે કટાણે ક્યાં સંતાઈ ગ્યો’તો ?’

‘બજારમાં બઘડાટી બોલી, એટલે મારી વવે કીધું કે ખવીસો ગામ ભાંગે છે. મને શી ખબર્ય કે રઘાબાપાનું માથું રંગાઈ ગિયું હશે ?’

ટપુડાએ હળવે હાથે રઘાના કપાળમાંથી કાચની કણીઓ કાઢવા માંડી ત્યારે એ વયોવૃદ્ધ માણસના મોઢામાંથી પણ જે કાળી ચીસ નીકળી ગઈ એ સાંભળીને અડખેપડખે ઊભેલાં સહુનાં હૃદય પીગળી ઊઠ્યાં :

‘અરરર ! આ તો ધરમીને ઘરે જ ધાડ પડવા જેવું થ્યું !’

‘રઘાબાપાને તો ભોંયમાંથી ભાલાં ઊગ્યાં...’