ભાંગેલા ચૂલાની જગ્યાએ નવો ચૂલો ગોઠવ્યો જ નહિ અને બધી ઘરાકી સીધી રામભરોંસેને સોંપી દીધી એથી જીવાને વિશેષ આનંદ થયો. પોતા ઉપર થયેલા હુમલા બદલ અને હૉટલને થયેલી નુકસાની બદલ એણે ફરિયાદ નોંધાવવાની ના પાડી તેથી જીવાના આનંદની પરિસીમા આવી રહી.
પણ જીવાને કમનસીબે એક બાબતમાં એની ગણતરી ખોટી પડી. ઘવાયેલો રઘો હવે અજવાળી ત્રીજને દિવસે માંડણના ખટલામાં પંચના સાક્ષી તરીકે જુબાની આપવા નહિ જાય, એવી ધારણા સાચી ન પડી.
રઘાએ જાહેર કર્યું : ‘હું તો ગાડે બેહીને ય શાપર પૂગીશ.’
જીવાએ ત્રાહિત માણસો મારફત ગર્ભિત ધમકીઓ પાઠવી :
‘ખેર નહિ રહે—’
‘જાન જોખમાઈ જશે—’
‘અટાણે સૂળીનું સંકટ સોઈથી ટળ્યું છે – ભામણ જાણીને તને જીવતો રેવા દીધો છે. પણ હવે ભલીવાર નહિ રહે—’
‘જુબાની આપવા ગ્યો છો તો તારા હાલ પણ ગોબર જેવા થાશે, ને અમને ભ્રમહત્યાનું પાતક ચડશે—’
પણ આવી ધમકીઓ મળતી ગઈ તેમ તેમ તો રઘો વધારે કૃતનિશ્ચય બનતો ગયો.
‘હવે તો જિંદગીને જોખમે પણ શાપર જાવાનો... ગામની વહુદીકરી ઉપર ખોટા આળ ચડતાં હોય તંયે મારા હોઠ સીવી રાખું તો મને પાતક ચડે..... સંતુ એકલા ટીહા વાગડિયાની જ દીકરી નથી, ગામની દીકરી છે. સતી - જતિનાં શીલની ૨ખ્યા કરવી ઈ તો અમારો ધરમ છે... હું મારો ધરમ ચૂકું તો મારું ભ્રામણનું ખોળિયું લાજે...’
રઘાની આ ગર્વોક્તિઓ સાંભળીને છેડાઈ રહેલા જીવાએ