પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મારું જીવતર લાજે !
૪૯
 


આખરે છેલ્લી કક્ષાની ધમકી મોકલી :

‘બવ વાયડો થ્યો છે. તો ભૂંહી નાખીશ.’

આથી તો રઘો જીવ પર આવ્યો. એણે સામું કહેણ મોકલ્યું :

‘ભડનો દીકરો હો તો આવી જાજે પડમાં, એટલે એકબીજાનાં પાણી માપી લઈએ.’

જીવાનો મિજાજ ગયો. કહેરાવ્યું :

‘મારી સામે ઉફ કરશ ? ફૂંકી મારીશ !’

જુવાનીમાં આખા હિંદી મહાસાગરનાં પાણી ડહોળી વળેલ અને આદનથી અસમારા સુધીનાં સફરી જહાજોને ત્રાહી ત્રાહી પોકારાવી ચૂકેલ શકરા જેવો શિકારબાજ રઘો એમ શાનો ગાંજ્યો જાય ? એણે કહેરાવ્યું :

‘મને મારી નિશાનબાજીની પરીક્ષા કરવાનું મન થયું છે. ભરી બંદૂકે પડમાં આવી જા !’

અંબાભવાનીમાંનાં તોફાન, હુમલા વગેરે બધું ઘડીભર ભુલાઈ ગયું અને ગામલોકો આ બંને હરીફો વચ્ચેના વાગ્યુદ્ધમાં જ રસ લઈ રહ્યાં. ગોબરની હત્યા, માંડણનો કારાવાસ કે સંતુનાં કલંકો કરતાં ય આ શાબ્દિક દ્વંદ્વયુદ્ધ વધારે ઉત્તેજક બની રહ્યું.

જીવાએ દલીલ કરી :

‘તારી જનોઈના તાંતણાની મને દયા આવે છે.’

‘લે, આ ઉતારી નાખ્યા ત્રણ તાંતણા !’ રઘાએ પડકાર કર્યો ‘મરદનો દીકરો હો તો મોળાં ઓસાણ લાવીશ મા.’

અજવાળી ત્રીજની આગલી રાતે લોકો અદ્ધર શ્વાસે રાહ જોઈ રહ્યા. રઘો જિંદગીનું જોખમ ખેડીને તાલુકાની કોર્ટમાં જુબાની આપવા જાય છે કે નહિ ?

જીવો તો ક્યારનો પ્રચાર કરી રહ્યો હતો કે રઘાએ ગભરાઈ જઈને શાપર જવાનું માંડી વાળ્યું છે. પણ રઘાએ તો સહુને