પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
લીલુડી ધરતી-૨
 


આવો કામો નો કરાય ? ઈ તો પરહદમાં જ પડ બાંધીને ઊભા રે’વાય—’

‘તો તો હવે આ ભવમાં તો રઘાનો રેંકડો શાપરને પાદર પોગી રિયો !’

‘ને ભેગું ગુંદાહરનું પાદરે ય હવે આ ભવમાં તો ભાળી રિયો !’

‘ઈ તો હવે ઘા ભેગો જ ઘસરકો થઈ ગ્યો જાણોની ! તણ્ય સાવજ ધરાય એવડી ભૂદેવની કાયામાંથી કોઈને ગોટલું છોતરું ય હાથ આવવા દિયે તો એનું નામ જીવોભાઈ નઈ !’

‘દરિયામાં રિયે ને મઘરમચ્છ હાર્યે વેર બાંધવા જાય એના તો આવા જ હાલ થાય ને ?’

ઊગતાને પૂજનારાં લોકો જીવાની બહાદુરીને બિરદાવતાં હતાં અને રઘાની હેરાનગતિની હાંસી કરતાં હતાં. તેઓ જાણતાં હતાં કે હવે અંબાભવાની આથમી ગઈ છે અને રામભરોંસેનો ચડતો સિતારો છે; રઘાનાં હવે વળતાં પાણી થયાં છે અને જીવો ખવાસ ઠકરાણાંનો માનીતો બન્યો છે. ‘બેસતો વાણિયો ને ઊતર્યો અમલદાર’ની ઉપયોગિતા અને બિનઉપયોગિતાનો બરોબર આંકઅંદાજ કાઢીને, જીવા ખવાસની સિફારસ કરવામાં સહુને પોતાનું હિત દેખાતું હતું.

તેથી જ તો, રઘો શાપરની અદાલત સુધી હેમખેમ પૂગી ગયો છે એવા સમાચાર આવ્યા ત્યારે પણ જીવા ખવાસના પૂજકો નાસીપાસ ન થયા. એમણે એક નવો આશાતંતુ બાંધ્યો :

‘ઈ તો કોરટમાં ઊભીને રઘો કેવીક જીભાની દયે છે, ઈ જોયાજાણ્યા પછી જ જીવોભાઈ ઘા કરશે—’

‘હા, ભાઈ ! આવા મામલામાં તો તેલ જોવું જોયે; તેલની ધાર જોવી જોયેં, તે પછી જ હાથ ઉગામવો સારો.’

‘જીવાભાઈનું કામ હંધુ ય લાંબી ગણતરીવાળું જ હોય. આગળપાછળનો વિચાર કર્યા વન્યા ડગલું ભરે જ નહિ ને !’