પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાપનું પ્રક્ષાલન ?
૫૫
 


સહુ ધારતા હતા કે અદાલતમાં જુબાની પૂરી થયા પછી જીવાના માણસો રઘાને ‘ઢાળી દેશે.’ માંડણિયાની વિરુદ્ધમાં એ એક હરફ પણ ઉચ્ચારશે તો એનું આવી બનશે. ભૂદેવ મોટે ઉપાડે સંતુની વહારે ચડવા ગયા છે, પણ એને ભોંય ભારે પડી જશે. જીવાભાઈ જેવા સાવજને છંછેડવામાં ઈ લોટની તાંબડી સાર નહિ કાઢે.

પણ રઘાએ તો આવા કોઈ પણ ભયને જરા સરખો ય વિચાર કર્યા વિના અદાલતમાં બેધડક જુબાની આપી. જુબાની આપી એટલું જ નહિ, માંડણ અને એના સહુ સાગરીતોની કારવાઈઓ પણ એણે ઉઘાડી પાડી દીધી...

રઘાની જુબાનીમાં શાદૂળનું નામ વારંવાર આવવા લાગ્યું એ સાંભળીને સાંભળનારાઓ સ્તબ્ધ થઈ ગયા. બચાવપક્ષના વકીલે એની ઘણી ય રોકટોક કરી, પણ એથી રઘો જરા ય ગભરાયો નહિ; એણે તો માંડણના અપરાધની અને સંતુની નિર્દોષતાની સાહેદી આપતી કડીબદ્ધ વિગતો સવિસ્તાર રજૂ કરી દીધી.

તાલુકાની અદાલતના એ ભાવુક ન્યાયાધીશને આ જુબાનીમાં અને એ જુબાની આપનાર વ્યક્તિમાં ઊંડો રસ જાગૃત થયો. તેથી જ તો, ઊલટતપાસ વેળા, હાથેપગે મૂઢમાર ખાધેલો રઘો અતિશય થાકને લીધે જરા લથડિયું ખાઈ ગયો અને સાક્ષીના પાંજરાના કઠેરાને ટેકે માંડ માંડ કાયા ટેકવી રહ્યો ત્યારે એની અસહાય સ્થિતિ જોઈને મેજિસ્ટ્રેટે હુકમ કર્યો :

‘સાક્ષીને બેસવાની ખુરશી આપો.’

સાંભળીને બચાવપક્ષના માણસો તો આંગળાં જ કરડતા રહ્યા !

ઊલટતપાસમાં એકેક પ્રશ્ન પુછાતો રહ્યો અને રઘો પણ જરા ય ગભરાટ વિના એનો ઉત્તર આપતો રહ્યો. પોતાની જુબાની કરતાં આ ઊલટતપાસ વેળા જ એ ખરો રંગમાં આવ્યો. એને પોતાને ય ખ્યાલ ન રહ્યો કે આવા વેધક ઉત્તરોની વાણી ક્યાંથી