પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
લીલુડી ધરતી–ર
 

 આવી રહી છે, ગામમાં રચાયેલી પ્રપંચજાળને ભેદતી આ હાજરજવાબી કોણ પ્રેરી રહ્યું છે. શ્રોતાઓને લાગતું હતું કે રઘાની જીભ પર બેસીને પુનિતા પુત્રવધૂ સંતુ જ પોતાનું પાવિત્ર્ય સિદ્ધ ન કરી રહી હોય !

ગૂંચવનારા પ્રશ્નોના ઉત્તર આપતી વેળા રઘો જાણે કે કોઈ ઉચ્ચતર આધ્યાત્મિક ભૂમિકાએ વિહાર કરી રહ્યો હતો. બચાવપક્ષના એકેક આક્ષેપનો એ રદિયો આપતો હતો અને એના અંતરનાં રસાયણો જાણે કે પલટાતાં જતાં હતાં. હવે એ સંતુની નિર્દોષતા જ સિદ્ધ નહોતો કરી રહ્યો; બલકે સત્ય કથન વડે પોતાના અતીત જીવનનાં અનેકાનેક અઘટિત કૃત્યોનું પ્રાયશ્ચિત્ત કરી રહ્યો હતો ! સંતુને નિષ્કલંક સાબિત કરવાને નિમિત્તે જાણે કે પોતાનાં પાપનું પ્રક્ષાલન કરી રહ્યો હતો...

અદાલત ઊઠવાનો સમય થયો અને ચપરાસીએ આવીને ઘંટડી વગાડી છતાં ન્યાયાધીશે આદેશ આપ્યો :

‘ચાલુ રાખો.’

રઘાના વેધક ઉત્તરો નોંધાતા ગયા, તેમ તેમ બચાવપક્ષ નાસીપાસ થતો ગયો અને ઉત્તરોત્તર વધારે ઝનૂનથી ઊલટતપાસ થવા માંડી. પણ રઘો આજે પેલો હૉટેલ ચલાવનાર મામૂલી બ્રાહ્મણ નહોતો રહ્યો. આજે તો એ ગામની એક કલંકિતાની વહારે ચડેલો બ્રહ્મપુત્ર હતો. એની વાણીમાં પરંપરિત બ્રહ્મતેજ સોળે કળાએ પ્રકાશિત થઈ રહ્યું હતું.

દીવે વાટ ચડવા ટાણે અદાલત ઊઠી ત્યારે જ રઘો એની ખુરશીમાંથી ઊભો થયો. કમ્પાઉન્ડમાં છોડેલા એકા નજીક એ પહોંચ્યો ત્યારે જુસ્બા ઘાંચીએ સુચન કર્યું :

‘રઘાબાપા ! આજની રાત્ય ગામમાં ક્યાંક રાતવાહો રઈ જાવ ની ?’

‘કેમ ભલા ? તારા બળધને પગમાં દુખે છે ?’