પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભવનો ફેરો ફળ્યો
૬૧
 


‘ઈ મર આવ્યાં, પણ હું આ હથિયારને ન અડક્યો ઈ ઠીક જ થ્યું. કોઈને રજાકજા કરી બેઠો હોત તો ઈનો ભાર મારાથી. ન જિરવાત—’

‘ભાર ?’

‘હા, ઘણો ય ભેગો થ્યો છ.’ રઘાએ અંતરની વાત કહી દીધી. ’આ હાથે, ન કરવાનાં કામાં ઘણાં જ થઈ ગ્યાં છ. હવે એમાં વધારો કરીને વળી કિયે ભવ છૂટું ?’

‘બાપા ! પણ કોઈ સામેથી ઘા કરવા આવે તંયે હાથ ઉગામ્યા વિના હાલે ?’

‘હા, હાલે.’ કહીને રઘો ફરી એકાએક મૂંગો થઈ ગયો.

જુસ્બો વિચારમાં પડી ગયો. એના સામાન્ય ચિત્તમાં એક વ્યવહારુ પ્રશ્ન ઊઠ્યો જે એણે નિખાલસતાથી નિવેદિત કર્યો :

‘સમજો કે હવે અબઘડીએ આવશે ઈ મસીદાળી ધાર્યની નેળ્યમાં આપણો એકો ઊતરે, ને ઓલ્યાં રામભરોંહાવાળાંવ આપણો મારગ આંતરીને ઊભાં રિયે, ને તમ ઉપર નાળ્ય જંજાર્યું નોંધે તંયે તો તમે હાથ ઉપાડો કે નઈં ?’

‘ના, ન ઉપાડું.... હવે નો ઉપાડું....’

‘સામાવાળો તમને ઢાળી જાય ત્યાં લગણ તમે હાથ જ નો ઉપાડો ?’

‘હવે તો ન જ ઉપાડું....’

‘તો પછે આવું મોંઘું હથિયાર ભેગું લીધાનો ય લાભ શું ?’

‘ઈ તો, ગુંદેહરથી શાપર જાતી ફેરે કોઈ માઈનો પૂત સામો જડ્યો હોત ને, તો જોયા જેવી કરત... ઈ સાટું જ આ હથિયાર ભેળું બાંધ્યું’તુ.’ કહીને રઘાએ મોટેથી અફસોસ વ્યક્ત કર્યો : ‘પણ જુસ્બા ! મને તો ઈ વાતનો ઓરતો જ રૈ ગ્યો કે જાતી ફેરી જીવાનું કોઈ માણહ સામી છાતીએ આવ્યું જ નંઈ ! હવે આ વળતે ફેરે તો ઈ વાટ બાંધે તો ય શું, ને ન બાંધે તો ય શું ! હધું ય સરખું