પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભવનો ફેરો ફળ્યો
૬૫
 


‘આડોડિયા હવે આ ભવમાં તો આંતરી રિયા !’ કહીને રઘાએ વળી એક સૂત્રોચ્ચાર કર્યો : ‘ભાઈ જુસબ ! સાચને જરા ય આંચ નથી આ દુનિયામાં.’

ઓઝતનો પટ પૂરો કરીને એકો ભૂતેશ્વરને આરે પહોંચ્યો ત્યારે ગામના પંચાતિયાઓ એની પ્રતીક્ષા કરતા બેઠા હતા. આટલું મોડું થયું હોવાથી એમને ખાતરી થઈ ચૂકી હતી કે મારગમાં રઘાનો ઘડોલાડવો થઈ જ ગયો હશે.

‘એલા જુસ્બા ! રઘાબાપાને ક્યાં મેલતો આવ્યો !’

જુસ્બો કશો જવાબ આપે એ પહેલાં તો રઘાએ જ એકાની અંદરથી ટહુકો કર્યો :

‘આ બેઠો, બાર વરહનો !’

પંચાતિયાઓ નિરાશ થઈને મનશું ગણગણ્યા : ‘મારો બેટો ! આ ભૂદેવ તો આપણને હંધાયને માર્યા પછી જ મરે એવો છે.’

‘ના ના. જીવોભાઈ એમ અથરો થઈને આડેધડ ઘા કરે એવો નથી. ઈ તો એના વેંતમાં જ હશે, ને દાવ આવ્યે જ સોગઠી મારશે. તમે જોજો તો ખરા, રઘાની કેવી રીગડી થાય છે ઈ ?’

આરો છોડીને એકો ગામઝાંપાની દિશામાં વળ્યો ત્યારે ૨ઘો ગણગણતો હતો કે :

‘મારા વાલીડાવ મારા મોતની વાટ જોઈને બેઠા છે – હું મરું તો સહુને મજો થઈ જાય. પણ દીકરાવ મારાવ ! આ રઘાનું મોત એમ રસ્તામાં રેઢું નથી પડ્યું...’ બોલતાં બોલતાં રઘો એકાએક બૂમ પાડી ઉઠ્યો : ‘એલા ઈ કોણ ગ્યું ?’

જુસબે ચમકીને દેરાણીજેઠાણીની વાવ તરફ નજર કરી.

‘ઈ કોણ ભાગ્યું ?’

‘આપણો સંચર સાંભળીને કોઈ બાઈ માણહ વે’તું થઈ ગ્યું.’ જુસબે કહ્યું.