પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




પ્રકરણ સાતમું
મેલડીનો કોપ

શ્રાવણનો એ છેલ્લો સોમવાર નથુકાકા માટે ખતરનાક નીવડ્યો. પોતે કીડિયારું પૂરવા ગયેલા અને કેટલાક ડોસાડગરાઓ સાથે ગામેગપાટે ચડી ગયેલા. પોતે સોમવાર કર્યો હોવાથી સાંજના વાળુની તો ચિંતા જ નહોતી, તેથી મોડામોડા ઘેર આવ્યા ત્યારે ઊંબરામાં પગ મૂકતાં જ અજવાળીકાકીએ એમને પોંખવા માંડ્યા :

‘તમતમારે ફુલેકે ફર્યા કરો ! વાંહેથી ઘરવાળાંવના મર ઘડાલાડવા થઈ જાય.’

પતિએ ડઘાઈ જઈને પૂછગાછ કરવા માંડી, પણ એમ સહેલાઇથી ઘટસ્ફોટ કરી નાખે તો તો એ અજવાળીકાકી શાનાં ?

‘તમતમારે કીડિયારાં પૂરીપૂરીને આવતા ભવનાં પુન્ય બાંધ્યા. કરો; વાંહેથી ઘરનાં માણહનો મર બોરકુટ્ટો થઈ જાય—’

‘પણ શું છે ?’

‘તમારે શું ? તમે તો મોટે પાઘડે ગામમાં પહોળા થઈને ફર્યા કરો. વાંહે ઓલ્યા વેરી હંધાય મર ઘરની વાતું વાવલ્યા કરે—’

‘કોણ છે ઈ વેરી ?’ પતિએ ક્રુદ્ધ અવાજે પૂછ્યું, ‘કોણ છે ઈ વાતુનાં વાવલનારાં ?’

પણ અજવાળીકાકી એમ ઝટ દેતાંકને નામ ભણી દઈને આ કુથલીકાપડમાં રહેલું જિજ્ઞાસાનું તત્ત્વ સાવ એળે જવા દે એમ નહોતાં. આ નાટકમાં અત્યાર સુધી તેઓ પતિ સમક્ષ માત્ર વાચિક અભિનય જ કરી રહ્યાં હતાં; એમાં હવે મજાનો નરવે સાદે ઠૂઠવો