પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૦
લીલુડી ધરતી–ર
 

 ‘સંતુડીની મા ?... હરખી ?’

‘હા, હા, ઈ ટીહલા વાગડિયાની હરખી... સો માણહની વચાળે એણે મારી દીકરીને માથે આળ ચડાવ્યું રાંડ નભાઈએ !’

સાંભળીને નથુકાકા કશાક ભેદી વિચારમાં પડી ગયા. અજવાળીકાકીની વાગ્ધારા ચાલુ રહી :

‘ઈ પોતાની જ છોકરી સામે નજર કરતી નથી ને આપણી જડીને શું જોઈને વગોવતી હશે, રાંડ વંતરી ?’

હરખ વિશે પોતે સૂઝી એટલી બધી જ ગાળો ખલાસ કરી નાખી છતાં પતિનું મૌન ન તૂટ્યું તેથી પત્નીએ સુચન કર્યું :

‘ઈ વાલામૂઈએ આપણી જડી ભેગું સામત આયરનું નામ લીધું છે, તો તમે ઈની સંતુડી હાર્યે શાદૂળભાનું નામ જોડી દેખાડો તો ખરા કઉં... ઈ હરખીને ય ખબર્ય પડે કે જડ્યા’તા સોની માજન માથાના—’

નથુકાકા આ સૂચન પર વિચાર કરતા રહ્યા અને અજવાળીકાકી એમને ઉબેળતાં રહ્યાં :

‘સાધો જીવા ખવાહને... મેલો શાદૂળભાનું નામ વે’તું... એક કાનેથી બીજે કાને... રાજકોટની જેલમાં બેઠો શાદૂળિયો જબાપ આપવા ક્યાં આવવાનો છે ? કરો ગામ તેડું... બરકો મુખીને... ને કરો નિયા...’

લાંબી વિચારણા પછી નથુકાકા બોલ્યા : ‘પણ આની કાંઈ સાઈદી–સાબિતી—’

‘સાઈદી-સાબિતી કાંઈ છે નહિ એટલે તો આ કામ કરવા જેવું છે...’ પત્નીએ સમજાવ્યું. ‘તમતમારે જીવા ખવાહના કાનમાં ફૂંક મારોની ?... એક કાનેથી બીજે કાને... જાય બિલાડી મોભામોભ !... ભવાનદાને ભંભેરો એટલે હાંઉં... ચોરાની ઓશરીએ પંચ બેહાડે... ને પંચની હાજરીમાં સંતુડીનો જબાપ માગે... જબાપ શું આપશે ચૂલા માંયલી રાખ ?... મુખીને કહીને ઠુંમરના ખોરડાને નાતબાર્યું