પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૬
લીલુડી ધરતી
 


સંખ્યા વધતી ગઈ. આજે રામભરોંસે બંધ રખાવવા બદલ મધરાતે જ ગુજરવાનું પસંદ કરનાર પંચાણભાભા ઉપર રોષ ઠલવાઈ રહ્યો, મરનારના સદ્‌ગુણ-દુર્ગુણની સમીક્ષા થવા લાગી. ‘મુઈ ભેંસના મોટા ડોળા’ને ન્યાયે પંચાણભાભામાં અનેકાનેક મોટાઈઓનું આરોપણ થઈ રહ્યું.

‘ગમે એવો ગણો, પણ જિંદગી આખી દલ દઈને દરબારનાં ગોલાપાં કરી ગ્યો બચાડો.’

‘ને જીવાના હાથમાં સંઘરાઈ ગ્યો ઈ ય સારું થયું, નીકર પછી આ રઘાગોર જેવા ઢરડ્યા થાય’

જીવાએ મરહૂમ પિતાશ્રીની સ્મશાનયાત્રા જેવું કશું યોજેલું નહિ અને હવે પછી સદ્‌ગતની શોકસભા થવાની નહોતી તેથી ગામલોકો પંચાણભાભા પ્રત્યેની સાહજિક દિલસોજી આ રીતે દાખવી રહ્યાં હતાં.

ગુંદાસરના એકધારા જીવનક્રમમાં મોટામાં મોટી ને રોમાંચક ઘટના મૃત્યુની હતી. ગિધા લુવાણાના ભેદી અવસાને ગામના ઠંડાગાર વાતાવરણમાં થોડી ગરમી લાવી દીધી હતી. એ પછી ગોબરની હત્યાએ શાંત વાતાવરણને હચમચાવી મૂક્યું હતું. એ હત્યાકાંડના આંચકાઓ હજી તો પૂરેપૂરા શાંત પડે એ પહેલાં જ પંચાણભાભાએ ગુજરી જઈને પડ ગાજતું રાખ્યું હતું.

અત્યારે મૃતાત્માને નામે શરૂ થયેલી કરુણ પ્રશસ્તિઓ કોણ જાણે ક્યાંય સુધી ચાલુ રહેત, પણ ત્યાં તો બજારને નાકેથી ઘમ્મ ઘમ્મ કરતા ઘૂઘરા સંભળાયા, અને લોખંડી ચિપિયાના ફટાક ફટાક અવાજો આવ્યા.

‘આવ્યો ! ઘૂઘરિયાળો આવ્યો !’ કેટલાકોએ તે આગંતુકનું મોઢું પણ જોયા પહેલાં આગાહી કરી દીધી.

‘આવ્યો તો એને વધાવો ! વરહોવરહ કમંડળું ધરીને ઊભો જ છે !’ કોઈએ ટીકા કરી, ‘કમંડળું તળિયેથી કાણું છે કે શું તી