પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મેલડીનો કોપ
૭૭
 


કોઈ સાલ ભરાતું જ નથી ! ઘુઘરિયાળો એક ગામ માગે તે ય તણ્ય પવાલાં ને એકવી ગામ માગે તો ય તણ્ય જ પવાલાં રેતાં લાગે છે.’

‘અહાલ્લેક નિરંજન !’ કરતોક ને એક પડછંદકાય બાવો ટોળા સમક્ષ આવી ઊભો.

‘આ તો કાળકામાતાની ટૂકવાળો બાવો ! ગરનારની સાતમી ટૂંકેથી વરહમાં એક વાર ઊતરે છે ઈ જ.’

ઘણાખરા માણસો તો બાવાને ઓળખી ગયા. એનું કાયમી થાણું ગિરનાર ઉપર છેક સાતમી ટૂંકે કાળકામાતાના થાનક પર હતું; પણ વરસમાં એક વાર તો એ અચૂક આ ગામમાં માગવા આવતો જ. કમ્મરે, કાંડે, ઘૂંટણે, ગળામાં એમ ઠેકઠેકાણે એ પુષ્કળ ઘૂઘરા પહેરતો તેથી એ ઘૂઘરિયાળા બાવા તરીકે ઓળખાતો. વર્ષોના પરિચયને લીધે ઘણા ભાવુકો એને ‘બાપુ’ કહીને સંબોધતા. આ ‘બાપુ’ પાછા મેલડીના પણ ઉપાસક હોવાથી ઘણાખરા ગામલોકો એમના પ્રત્યે ભયપ્રીત જ દાખવતાં.

અત્યારે તો, ગિરનારની છેક સાતમી ટૂંકે વસનારા સાધકને લોકોએ એક જ પ્રશ્ન પૂછ્યો : ‘કાળકામાતાની ટૂંકે ક્યાંય મે’પાણી છે ?’

‘નહિ.’

‘વાદળાંબાદળાં ઘેરાય છે ખરાં ?’

‘નહિ ઘેરાય—’

‘કેમ ભલા ?'

'દુકાળ પડેગા !’ બાવાજીએ ચીપિયો પછાડીને કહ્યું.

‘દુકાળ તો પડેલો જ છે ને વળી ! એમાં હવે પડવાનું બાકી શું રિયું છ ? આ ભાદરવો ય કોરો જવા મંડ્યો, હવે તો આસુ મહિને કોસ જોડીએ તો છે !’

‘પણ મે’પાણી ન થવાનું કાંઈ કારણ ?’ કોઈએ પુછ્યું. ‘કાળકા મા કોપ્યાં છે ?’

‘કાળકા મા શું કોપશે ? તમારાં જ કરમ કોપ્યાં છે —’