પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮
લીલુડી ધરતી
 


‘અમારાં ? અમારાં કરમ ?’

‘તમારાં એટલે શાપરવાળાવનાં ! કયે ભામટે આખેઆખું ભારત વાંચ્યું ?’

‘એલા હા !’ હવે જ લોકોને યાદ આવ્યું. ‘ઉનાળામાં, ઓલ્યા ગાગરભટ્ટ મા’ભારતની કથા કરતા’તા. એણે જ આખેઆખી કથા વાંચી નાખી—’

‘હા, વાત તો સાચી. શાપરવાળાંએ ભટ્ટજીને બવબવ વાર્યા. કીધું કે થોડીક કથા બાકી રાખો; ભારત આખેઆખું વાંચીએ તો તો મેઘરાજા રૂઠી જાય. પણ ભટ્ટ કોઈનું કે’વું માન્યા જ નહિ—’

‘તો હવે જાવ ઈ ગાગરભટ્ટ પાંહે, ને કિયો એને કે ‘વરસાદ છોડી દે’, તેં બાંધ્યો હોય તો—’

‘ઈ તો દખણા બાંધીને દેશાવર ઊતરી ગયેલા ગાગરભટ્ટને ક્યાં ગોતવો ? હવે તો તમે જ કાંઈક ઉપાય કરો, બાપુ !’

‘હું શું કરું ? કરતી-કારવતી તો મારી હજાર હાથવાળી કાળકા મા છે.’

‘કાળકામા શું કિયે છે ?’

‘કિયે છ કે ઘર દીઠ સવા સવા પાલી ઘઉંનો ખીચડો રાંધી નાખો ને સાંતીને ઝારી નાખો—’

સાંભળતાં જ સહુના પેટમાં ધ્રાસકો પડી ગયો !

‘સવા સવા પાલી ઘઉં ?’ લોકો મનમાં જ વિચારી રહ્યાં. ‘આ દુકાળ વરહમાં ઘઉંનાં તો માવતર મોંઘા છે. એમાં વળી આ અધિક માસ જેવી માનતા કાળકા માતાએ ક્યાં ફરમાવી ?’

કોઈએ આમાંથી ઓછેઅધકે કડદા જેવું કરવા સૂચવ્યું :

‘કાળકા મા કાંઈ ઓછેથી રીઝે ખરાં ? સવા પાલીને સાટે સવા પવાલું ઘઉં—’

‘અરે કાળકામાને શું હાટડીદાર સમજી ગયા છો ?’ બાવાએ ફરી વાર ચીપિયો પછાડીને ત્રાડ નાખી. ‘તમારા ઉપર તો મેલડી