‘હાલો’ ભૂતેસરની વાડીએ... ઓલ્યો ઘૂઘરિયાળો ધૂણે છે.’
‘ઈ તો ધૂણે ય છે ને મોઢામાંથી નાડાછડી ય કાઢે છે.’
‘ફીંડલાંનાં ફીંડલાં નાડાછડિયું નીકળે છે... ફીંડલાનાં ફીંડલાં...’
‘હાલો, ભૂતેસરની વાડીએ ઓલ્યા ઘૂઘરિયાળાને મેલડીમા સરમાં આવ્યાં છે.’
સાંજ પડતાં તો ગામની શેરીએ શેરીએથી હાલરાં નીકળી પડ્યાં. કોઈના હાથમાં નાળિયેર, કોઈના હાથમાં ચૂંદડી, કોઈના હાથમાં મોડિયો... સહુને મોઢે એક જ વાત :
‘મેલડી મા કોપ્યાં છે.’
'પૂછ ને મૂછ ઉપર ભાર છે.’
'ગામમાં એકે ય મૂછાળો કે એકે ય ઢોર સાજું નઈં રિયે.’
જોતજોતામાં તો ગામને એકેએક ઘેરેથી માણસોના ઘેરા પાદરની દિશામાં હાલી નીકળ્યા : પાદરથી ભૂતેશ્વરની વાડી સુધી માનવપ્રવાહ રેલાઈ રહ્યો.
‘જુવો, સાંભળો, મેલડીમાના હાકોટા સંભળાય !...’
‘જુવો, ડાકલાં સંભળાણાં !’
‘ઈ ઘૂઘરિયાળો હૂક હૂક કરે !’
‘માડી ! આ તો વરૂડી કે શીતળામા નંઈ; મેલડી મા કોપ્યાં છે ! એને રાજી નો કરીએ તો ગામનું ધનોતપનોત નીકળી જાય !’