પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘૂઘરિયાળો ધૂણ્યો
૮૩
 

 ‘પણ આ બાવો અટાણે ઘુઘરિયાળો નથી; એને તો ઘણા મેલડી મા સરમાં આવ્યાં.’

‘ઈ એ ય કહી જોયું, પણ ન માન્યા. બોલ્યા, કે મારે ખેતરે સતીમાનું થાનક છે, એમાં હંધી ય માવડીયું સમાઈ ગઈ... માણહને મા એક હોય ઝાઝી ન હોય.’

‘ઓ હો હો ! મિજાસ કાંઈ મિજાસ ! મેલડી ઠીકાઠીકની કોપશે તંયે ખબર્ય પડશે.’

‘ને તંયે ઓલ્યાં સતીમા આડા હાથ દેવા નંઈ આવે.’

હાદા પટેલ જેવી જ નોંધપાત્ર ગેરહાજરી રઘાની જણાઈ આવી.

‘એલા જીવાભાઈએ ડેબાં ભાંગી નાખ્યાં પછી રઘોબાપો ઊંબરા બાર્યો જ નથી નીકળતો કે શું ?’

‘ના રે ના, ઠેઠ શાપર લગણ જઈને જુબાની આપી આવ્યો, ઈ આંહી વાડી લગણ આવતાં બીએ ?’

‘તો પછી ઘરમાં શું કામે ઘલાણો છે ?’

‘ઈ તો કિયે છ કે ઘુઘરિયાળો ને ઓઘડ ભૂવો ને મેલડી, ઈ બધાં ય પાખંડ છે પાખંડ !’

‘મેલડી મા રઘાને મન પાખંડ છે ? એના ગિરજાને ભરખી જશે તંયે ખબર્ય પડશે કે એને પાખંડ કેમ કે’વાય છે ?’

‘અટાણે તો ગિરજા કરતાં રઘા ઉપર જ ભાર લાગે છે. મેલડી પૂછ ને મૂછ ઉપર રૂઠી છે, તી રઘો ય સોડાની બાટલિયુંના મારામાંથી માંડ માંડ બચ્યો છે.’

‘બચ્યો છે ? હજી તો જીવતો રિયે તંયે બચ્યો ગણું. પૂછ ને મૂછ ઉપર ભાર છે ઈ કાંઈ અમથો થોડો ઊતરશે ? રઘા જેવા દસવીસના રામ રમાડી દેશે. મા મેલડી રૂઠી છે ઈ કાંઈ જેવીતેવી વાત કહેવાય ?’

ત્યાં તો એકાએક બાવાની ઘુઘરમાળો ધમ્મ્‌ ધમ્મ્‌ ગાજી ઊઠી, ડાકલાંના અવાજો વધારે જોશીલા બન્યા. ધૂણતા બાવાના હુહુકારા