પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
લીલુડી ધરતી–ર
 

 વધારે ઉગ્ર થવા લાગ્યા.

‘આવી ! આવી !’ પ્રેક્ષકો એકી અવાજે પોકારી ઊઠ્યાં. કોણ આવી એ પ્રશ્ન પૂછવાની જરૂર જ નહોતી. ‘આવી’ ક્રિયાપદ જોડે મેલડી અધ્યાહાર હતી.

નળિયાંની ધૂપદાનીઓમાં મરચાં ઉમેરીને ધુમાડો વધારવામાં આવ્યો; ચારે ય તરફ ખોં...ખાં થઈ રહ્યું. કેટલાંકની આંખો બળવા લાગી. કોઈ કોઈ દમિયલ માણસોને તો ધાંસ પણ ચડી.

મુખી આ બધી લીલા વ્યગ્ર નજરે નિહાળી રહ્યા.

ઓઘડભાભાએ ઘોઘરે સાદે પૂછ્યું : ‘કોણ છો તું ?’

ઘુઘરિયાળે જવાબ આપવાને બદલે સામો હુહુકારો કર્યો.

ઓઘડભાભાએ આદત મુજબ વધારે ઘોઘરે સાદે ફરી વાર પૂછ્યું :

જવાબમાં જાણે કે ડાચિયું કરતો હોય એ રીતે ઘુઘરિયાળો બમણા જોરથી હુંકારી ઊઠ્યો.

આજુબાજુમાંથી સૂચનાઓ આવવા લાગી :

‘એમ સીધેસીધું નઈં માને, લોઢાની સાંકળું તપાવો.’

‘ઠીકઠીકના ડામ દિયો !’

‘ઈ તો સાંકડા ભોણમાં આવે તયેં જ સર૫ સીધો હાલે.’

ઓઘડે નળિયામાં ભભૂકતા દેવતામાં વધારે મરચાં હોમ્યાં. ને આખી વાડીમાં એના તીખા ધુમાડા ગોટાઈ રહ્યા. ચારે ય ખૂણેથી મોટે અવાજે ખોં...ખોં કરતી ધાંસ ઊઠી.

ડાકલા ઉપર બમણા જોરથી ડાંડીઓ મારીને ઓઘડભાભાએ પૂછ્યું : ‘બોલી નાખ્ય તું કોણ છે, નીકર તારી ખેર નથી આજે ! મીઠામાં બોળી બોળીને ચાબખા મારીશ... રણગોળિયો કરીશ... ખેતરમાં લઈ જઈને ઘીંહરું કરીશ...’

કેમ જાણે ભૂવાની આ આકરી દમદાટીથી જ ગભરાઈ ગયો હોય, એમ ‘બોલી નાખ !’ના ત્રીજા પડકારના ઉત્તરમાં બાવો બોલી ઊઠ્યો : ‘હું મેલડી છઉં !’