પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઘૂઘરિયાળો ધૂણ્યો
૮૫
 

 અને પ્રેક્ષકોમાં ભયસૂચક ગણગણાટ ફેલાઈ ગયો : ‘મેલડી...’ મેલડી... ચોંસઠ જોગણિયુંવાળી... ખોપરિયું પરોવેલી રૂંઢમાળાની પેરનારી... માતા મેલડી... રૂઠે તો રાન રાન ને પાન પાન કરી મેલનારી...’

ભૂવાએ હવે બમણા શૂરથી પૂછ્યું :

‘આંયાંકણે શું કામ આવી છો ?’

હુહુકાર વચ્ચે ઉત્તર મળ્યો :

‘મારાં ગોઠિયાં ભૂખ્યાં... મને મલીદો...’

સાંભળીને શ્રોતાઓમાં ફરી ભયસૂચક ગણગણાટ શરૂ થઈ ગયો : ‘મલીદો... મેલડીને મલીદો... ભોગ ચડાવ્યા વન્યા એનું પેટ ભરાય જ નઈં...’

ભૂવો બોલ્યો : ‘મલીદો જોતો હોય તો બીજે ગામ જઈને માગ્ય ! આંયાંકણે તારું શું દાટ્યું છે ?’

જવાબ મળ્યો : ‘આ ગોંદરે જ મારું બેહણું.... આ ગામમાંથી જ મારું ખપ્પર ભર શ.’

‘આ ગામનો કાંઈ વાંકગનો ?’ ભૂવાએ કહ્યું : ‘બીજું કો’ક સારું ગામ જોઈને સોંઢી જાની ?’

‘નઈં સોંઢું... નઈં સોંઢું... હું તો ગોંદરે બેહીને જ ગામનાં પૂછ ને મૂછ ભરખીશ.’

સાંભળીને શ્રોતાઓમાં જાણે કે સોપો પડી ગયો. હવે તો કોઈને ટીકાટિપ્પણ રૂપે ગણગણાટ કરવાના ય હોશ ન રહ્યા.

ઓઘડભાભો ઉત્કંઠાથી પૂછતો રહ્યો : ‘તને બીજું કોઈ ગામ ન જડ્યું’તી આ ગોંદરે જ આવીને બેઠી ?’

‘આ ગામે મને અભડાવી છે.’ ઘુઘરિયાળે ઘટસ્ફોટ કરી નાખ્યો.

શ્રોતાઓ સ્તબ્ધ બની ગયાં.

ભૂવાને બદલે હવે ધૂણનારો જ રંગમાં આવી ગયો. એનું ડોલન વધી ગયું, દમામ વધી ગયો.