પૃષ્ઠ:Liludi Dharti2.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અજાણ્યાં ઓધાન
૮૯
 


‘અરરર ! પણ ઈ એકને પાપે મેલડી માએ આ પ્રથમીનો હંધો ય વરસાદ રોકી દીધો ઈ કાંઈ જેવોતેવો કોપ ગણાય ?’

‘ને આ મૂછાળા માણહ ટપોટપ મરવા મંડ્યા ઈ કાંઈ ઓછી કઠણાઈ કે’વાય ?’

અને વળી એક કાનેથી બીજે કાને થઈને મુખીના કાનમાં સાંકેતિક ભાષામાં સંતુનો નામોલ્લેખ થયો. તુરત તેઓ બોલી ઊઠ્યા :

‘ના, માને મોઢેથી સાંભળ્યા વિના હું કાંઈ સાચું ન માનું. મા પંડ્યે જ ફોડ પાડે તો સાચું સમજું.’

‘મા ! અમે તો તમારાં છોરું.’ ભૂવો કરગર્યો. ‘અમારાં પાપનું પ્રાછત કરવા દિયો. આટલી કીરપા કરી છે તો હવે થોડીક વધારે કીરપા ય કરતાં જાવ. તમને અભડાવનારીનું નામ ભણતાં જાવ તો ઈની ઓખાત્ય ખાટી કરી નાખીએ.’

‘અમારી જીભેથી પાપણીનું નામ ન ભણાવ.’

‘તમે તો જગદંબા જેવાં દેવી... આટલી દિયા કરતાં જાવ, મા !’

‘પાછલી રાત્યે આભમાં સાંતીડું ઊગે છે ઈ ભાળ્યું છે ?’

ઉત્તરમાં એક સામટા હોંકારા ઊઠ્યા : હા...હા...’

‘હાંઉ... ઈ સાંતીડાને નામે નામ સમજી લ્યો ! ઈથી વધારે એક અકશરે ય બોલું તો મારી જોગણિયું રૂઠે !’

પણ એ જોગણીઓએ રૂઠવાની જરૂર જ ઊભી ન થઈ. મેલડી માના સ્વમુખેથી ઉચ્ચારાયેલા આટલા જ ઈંગિતે વાડીના આ છેડાથી પેલા છેડા સુધી અસંખ્ય હોઠનો આછેરો ફફડાટ મચાવી દીધો હતો : ‘સંતુ...!’

વાયરે વાત ફેલાઈ ગઈ :‘સંતુ... સંતુ...!’

ઓતરાદે ઝાંપેથી દખણાદે ઝાંપે ચર્ચા થઈ રહી : ‘સંતુ.. સંતુ..!’

પાણીશેરડે, ચોરેચૌટે, શેરીએગલીએ અને ઘરને છાને ખૂણે