પૃષ્ઠ:Love-letters of Diwalibai written to Manilal Dwivedi.pdf/૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પરિક્ષાવાન જબરા છો. કેવા કે 'દયાના પ્રભુજી ઘણા કહેવાણા ચતુર પણ ઓળખો નહિ એરંડો કે શેલડી." આપના જીવને સારૂં નથી તે જાણી ઘણી જ દીલગીર છું પણ શું કરું ? જો મારૂં ચાલી શકતું હોત તો નીરોગી કર્યા વિના રહું નહિ તો પણ પ્રભુને કહું છું કે 'ભલે, તેમની વ્યાધિ મને આવે.' પણ આપની કુશળતાની ઇચ્છા મારી કુશળતા કરતાં વિશેષ રાખું છું. આપ અમને ગણત્રીમાં ગણો યા ન ગણો, અને ચાહના કરો યા મ કરો, અમે સંભારો યા ન સંભારો, અમારી ઉપર કૃપાપત્ર લખો યા ન લખો પણ અમે તો આપને સંભારીશું, પ્રાણ સમાન વ્હાલા ગણીશું, અમારા મોટા આશ્રયરૂપ ગણીશું, અને નિરંતર આપની કુશળતા ઇચ્છીશું તથા પત્ર લખીશું. તેનો ઉત્તર આપને નજરમાં આવે તો લખવો યા ન લખવો, કારણ અમારે કાંઈ સાટું વાળવું નથી. હાલ છગનલાલભાઈ છે. પણ આપ વિના કોઈ અમારી સહાય ગણતા નથી. આપે ઉપરીપણું કયે દિવસે દાખવ્યું છે ? તથા શાળામાં આવી હસ્તે મોઢે કુશળતા કયે દિવસે નથી પૂછી ? તથા ચીઠ્ઠીનું કારણ મળતાં કેવા મધુર શબ્દોથી તે લખેલી તે બધુંય યાદ આવે છે ત્યારે બહુ જ ખેદ ઉપજે છે. આપની છબી મળી છે તેને રોજ ઠપકો દઈએ છીએ, પણ તે પોતાનો અપરાધ થયો ગણી ઉત્તર જ સામો આપે ?

લી. ... ... ...
 
♣♣


પત્ર ૬
૨૦, જુલાઈ, ૧૮૮૫
 

આપ મારા પત્ર નથી સમજતા ? તે 'પત્ર સમજાય તેમ લખવો' એવી ભલામણ કરો છો ? આપ શું નથી સમજતા તે હું સારી પેઠે સમજું છું, આપ જેને 'નિકટ સંબંધ' ગણો છો એટલો બધો તો સંબંધ નહિ પણ 'પત્રદ્વારે નિરંતર દર્શન પામું તથા પ્રત્યક્ષ મળી વિદ્યાના વિનોદ ચલાવવા' એવી આશા ખરી.

... ... ...

પણ ભલા થઈને જેવી કૃપા ર્દષ્ટિ છે તેવી નિરંતર રાખી પત્ર માટે તરષાવશો નહિ, 'વજ્રહ્રદયી' પણ પોતાનો મિત્ર, તેને બાહ્યોપચાર શિવાયના મજબૂત હથિયાર લઈ ભેદે એવું કોણ અભાગિયું હોય ? ભલે પોતે દુ:ખી થાય. પણ જે અભેદ્ય હોય તેને ભેદવું એ તો યોગ્ય નહિ જ; અથવા કોઈ ભેદ્યું ભેદાતું જ નથી; અથવા એ બાબત હું એકલી જ અશક્ત છું.

♣♣♣