પૃષ્ઠ:Love-letters of Diwalibai written to Manilal Dwivedi.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


મારા ઉપર પ્રેમ રાખનારા નથી. મારા ઉપર પત્ર લખો છો તેય કેમ જાણે વકીલ બારીસ્ટરનો કેશ હોય. હું તો તમને ગમે તેવા ગાંડાઘેલા પત્ર લખીશ. વાંચવો હોય તો વાંચજો. એ બાબત પ્રશ્ન ઉઠાડશો તો કહીશ કે 'લાવો મારૂં લઈ ગયા છો તે પાછું, એટલે સારૂં પત્ર લખીશ', તમારી સાથે વિનોદ કરતાં મને શાળાનું કામ ચલાવવાનો અવકાશ નથી મળતો. કોઈ પૂછે તેનો જવાબ દેવાતો નથી. તમારી કનેથી ઉઠીને બળાત્કારે જવાબ દઉં છું તો કહેવાનું શું ને કહું છું શું ? એક વખત ઘરમાં એવું બન્યું કે મને કાંઈ કહેતા હતા. ત્યારે મેં કહ્યું કે તમે મણિલાલની વાત મારી આગળ શાને કરો છો ? તે તેણેય સાંભળ્યું નહિ. ત્યારે મને કહે 'શું કહે છે?' ત્યારે મેં કહ્યું 'મણિલાલની છબી આવી છે તેને કાચમાં બાંધવી છે.' પછી તે કહે 'જડાવવી છે?' મેં કહ્યું 'હા.' મને ઘણા ઘણા વિચાર આવે છે પણ તમારી તરફથી લગારે મન પાછું હઠતું નથી, ત્યારે લાજ મૂકીને કહું છું સાંભળો – 'તમારો આ પત્ર વાંચીને હું તમારી પછવાડે બ્હેરી, બોબડી, ગાંડી, કુપાત્ર, લૂલી, અશક્ત, પરતંત્ર અને શરણ વગરની થઈ ગઈ છું. શાળામાં મને છોકરીઓ ત્રિરાશી મંડાવવાનું કહે છે ત્યારે ભાગાકાર મંડાવું, પાઠ વાંચવો કહે ત્યારે કહું કે ગરબા ગાઓ. ભૂગોળ ઇતિહાસ લોની! ત્યારે ડીક્ટેશન લખાવું છું. તમારો છેલ્લો પત્ર કાંઈ વસીકરણ ભણાવીને મોકલ્યો છે કે મારે માટે તમે વિરાગી થયા ત્યારે તમારે માટે હું અનુરાગી થઈ (વક્રોક્તિમાં) તમારે માટે હું આવી થઈ છું તો પણ મહીંમહીંથી એમ થાય છે કે 'અરે! હું ધર્મવિરૂદ્ધ કરૂં છું' હવે હારીને તમારે શરણ આવી છું. જોઈએ તેમ કરો.

જો તમે જ મારે માટે દુ:ખી છો એવો નિશ્ચય થશે ત્યારે સૌને દૂર મૂકી તમારી સેવામાં મરણ પર્યન્ત તત્પર રહીશ. ભલે પ્રભુ ... ન આપે. મને આરામ ફરી જન્મ લઈશ ત્યારે થાય તો થાય.

લિ. ભાવનગરનીના પ્રણામ.
 
♣♣


પત્ર ૮
રા. રા.
તા. ૬-૮-૮૫
 

આપનું પત્ર વાંચીને હાથથી છેક ગયા ખાતે છું. મારી ખાત્રી થઈ ચૂકી છે કે હવે તમારા હ્રદયમાં મારે વિશે ખરેખરા પ્રેમાંકુર ફૂટવા માંડ્યા છે.