પૃષ્ઠ:Love-letters of Diwalibai written to Manilal Dwivedi.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રિયંવદ! મને તમારા જેવા સમવયી, ડાહ્યા, હસમુખા, રંગીલા, ચતુર તથા લાડપૂરણનું પાણિગ્રહણ કરવાની ઘણી લાલસા હતી. અને એવો બનાવ બન્યો હોત ત્યારે જ હું કેવી પ્રેમી, પતિ ઉપર ભક્તિવાળી છું તે જણાત. આજ હું તમને મોઢે બકવા કરી બતાવું છું એમાં શું વળે ? મારા પતિમાં ખરૂં જોતાં વઢવા સિવાય એકે ગુણ નથી. તો પણ મારૂં મન તમારા શિવાય કોઈએ રૂપથી, પૈસાથી, કે કોઈ અવર સાધનોથી ડગાવી શક્યું નથી. બલા જાણે તમે શા કારણથી આટલા બધા વ્હાલા લાગો છો ને તે હું સમજી શકતી નથી.

આપ મારી પાસે કહેવડાવવા માગો છો કે પ્રેમ ને નીતિ એ બેમાં બળવાન કોણ ? તે લખજો. પણ પ્રભુ, હું શું કહું, મને તો એકે દિશા સૂઝતી નથી. મને રોજ તાવ બહુ આવે છે. અન્ન મુદ્દલ ભાવતું નથી,નિદ્રા આવતી નથી. તમારૂં અસાધારણ સ્મરણ થવાથી મગજ ખાલી પડી ગયું છે. કોઈ મારી ખબર પૂછે છે કે 'તને કેમ છે ?' એટલે તરત આંખમાં ચોધાર આંસુ ચાલ્યાં જાય છે. જાણે મારૂં કોઈ નથી, હું અશરણ છું,ક્યાં છું ? કોને યાદ કરૂં છું, મને શું થાય છે ? હું આંધળી છું કે દેખતી, ચાલતી છું કે અપંગ; બોલતી છું કે મૂગી, બ્હેરી છું કે સાંભળું છું વગેરે કશું ય ભાન નથી. માત્ર પોપટની જેમ ગોખી રાખેલું હોય તેમ અનિયમિત રીતે તમારૂં નામ દેવાઈ જાય છે. અરે! એક વખત મારી અવસ્થા જોવા વૈદરાજ બનીને તો આવો. તમે તો મનગમતા વૈદ છો એટલે મને જરૂર સારું થઈ જશે. હવે કાંઈ બાકી રહ્યું? આમાં મને પરિણામ શું નીકળશે તે સમજાતું નથી. માત્ર હું મારા જીવતરને ભયભરેલું જોઉં છું. પણ તમે ય ડાહ્યા થઈને એકે રસ્તો સૂઝાડતા નથી. હું જાણું છું કે તમારી આ વ્યાધિમાં પડવાની મરજી નથી. કારણ કે મેં તમને સર્વ હક્ક આપ્યા છે તે છતાં શાને પૂછ્યા વાટ જુવો છો ? હું તો કહું છું કે હવે તમારી ઉપરનો મારો પ્રેમ હદ મૂકીને કેટલો આગળ ગયો તેનો લાગ-તાગ (!) જડશે જ નહિ. માટે વળી શરમ મૂકીને કહું છું કે હું તમારે શરણ છું. મારૂં સર્વ તમે છો. હું તમારી છું, જોઈએ તો મારૂં મન સુધરે એમ કરો, જોઈએ તો બગડે તેમ કરો. જેથી મને સુખ થાય એમ કરો. પણ હવે રીબાવશો માં એટલી વિનંતી છે. મારો ખૂબ તિરસ્કાર કરશો તો કાંઈક હું શરમાઈ પ્રેમને હદમાં રાખું તો રાખું. અને કાં તો હવે સાકરના હીરા ગળ્યા એ ગળ્યા! તમારા જેવા મહાત્માની આગળ 'પીર બાપજી મેં તો હસતી થી' એમ વારે ઘડીએ કરવું એ ય શરમભરેલું છે. વળી મેં ક્યાં જેવા તેવા સાથે કે ક્યાં બોત્રથી પ્રેમ બાંધ્યો છે કે તેની આપદા! આ બધું