પૃષ્ઠ:Mabapone.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
માબાપોને
 

તમે તેમને અસ્વચ્છ રાખો છો; પણ તેમને સ્વચ્છ રહેવાની એક વાર ટેવ પાડી જુઓ, તો તમને જણાશે કે તેઓ કાયમ સ્વચ્છ જ રહેવા માગે છે. બે ચાર બાબતો તમારે ખાસ સંભાળથી કરવાની જરૂર છે. બાળક જમવા બેસે ત્યારે જરૂર તેનો હાથ ધોવરાવવો. દરેક ચીજ ઝાલવા માટે હાથનો જ ઉપયોગ થાય છે, અને જુદે જુદે ઠેકાણે હાથ અડવાથી તેને મેલ કે ઝેર ચોંટી જાય છે; અને એવા ને એવા હાથથી બાળક જમવાનો મહાવરો રાખે તો લાંબે વખતે તેનું લોહી બગડે છે. માટે હાથ તો જરૂર ધોવાનો રિવાજ રાખીને જ પછી બાળકને જમવા માટે બેસાડવું.

બાળકના કાન હંમેશાં તપાસતાં રહો અને સાફ કરો, તથા બે ચાર દિવસે તેમાં તેલનું ટીપું નાખો. તેમને માથે વાળ ૨ખાવો નહિ, અને રખાવો તો દર અઠવાડિયે સારી રીતે નવરાવીને વાળમાંથી ખોડો ને મેલ દૂર કરો. આંખો પણ હંમેશાં તપાસીને પાંપણોમાં ચીપડા ભરાઈ ન રહે તેની દરકાર રાખો. નાની નાની છોકરીઓનાં નાક વીંધાવો નહિ. નાક વીંધીને તેમાં વાળી પહેરાવવાથી તેનું નાક બરાબર સાફ થઈ શકતું નથી. માટે વીંધ્યું હોય તો ફક્ત સળી રાખો, પણ વાળી તો કદી પણ ન પહેરાવો. વાળીથી ઘણી છોકરીઓ હેરાન થાય છે, તેમના નાકમાં કચરો ભરાઈ રહે છે અને મહેનત કરતાં પણ નીકળતો નથી એવું અમે નજરે જોયું છે.

છોકરાંના નખમાં પણ મેલ-ધૂળ ભરાઈ રહે છે, માટે દર અઠવાડિયે વધેલા નખ ઉતરાવો; નહિ તો તે મેલ દાળ અને દૂધ જેવા પ્રવાહી પદાર્થો ખાતી વખતે પેટમાં જાય છે. નખમાંથી એવા મેલનો લોંદો કાઢીને તમારા ભાણામાં કોઈ નાખે તો તમે તે ખાઓ ખરાં કે ? તમારા બાળકને પણ એવો મેલનો લોંદો તમે