પૃષ્ઠ:Mabapone.pdf/૧૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માતાઓને
૯૯
 

પરમેશ્વર આપણા હાથ પગ કાપી નાખશે. બાળક તો ગરીબ અને નિર્બળ છે, તેનામાં તાકાત નથી, બુદ્ધિ નથી; તે તો મારશો તો પણ માર સાંખીને ડૂસકાં ભરતું ભરતું પાછું તમારા જ ખોળામાં આવીને બેસશે. તે બિચારું બીજે ક્યાં જાય ? હું જાણું છું કે બાળકને માર્યા પછી પાછળથી તમે જ પાછાં પસ્તાવો કરો છો. તે તમારું માગી આણેલું તમને મળ્યું છે; પ્રભુને ઘેરથી સાંપડેલું છે. માટે તેને કદી પણ મારવાની જરૂર નથી. મારથી સુધરવાને બદલે તેઓ ઊલટાં બગડી જાય છે. મારથી ટેવાયેલાં બાળકો રાંકડાં, રોઈ પડે એવાં, ગરીબડાં, નમાલાં અને પોતાની માની વાત યાદ આવે ત્યારે કોઈ રાક્ષસીની વાત સાંભરતાં બ્હી મરે એવાં થઈ જાય છે.

અમે દુનિયામાં અને પુસ્તકોમાં તો ઘણું એવું સાંભળીએ. છીએ અને વાંચીએ છીએ કે માતાના પ્રેમ જેવો બીજો કોઈ પ્રેમ નથી. તો પછી તમે તમારા બાળકને મારો છો એવો જ્યારે અમને અનુભવ થાય, ત્યારે તેમાં તમારું કેટલું ગૌરવ અમારે ગણવું ?

જેમ નબળો માટી બૈરી પર શૂરો, અને મિયાંભાઈ નબળા તો ગુસ્સા બોત, તેમ તમારામાં ગુસ્સો–ક્રોધ છે; એ તમારી નબળાઈ છે. ઘરમાં કદાચ જો ચીમની ફૂટી, ખીચડી દાઝી ગઈ કે કોઈ ચીજ ખોવાઈ ગઈ ને હાથ ન લાગે, તો જેવું એ બાળક હાથમાં આવે કે તરત જ માર પડે ! પણ તમારી નબળાઈ અને તમારી બેદરકારીના બદલામાં તમે છોકરાંને મારો છો. તમે છોકરાંને મારશો, તો તે મોટાં થઈને તેમનાં છોકરાંને મારશે; અને એમ દુનિયામાં મારની પરંપરા ચાલશે તેનું પાપ તમને લાગશે. એક વાર પણ બાળકને માર્યાથી તમારી પાંચ પચીશ એકાદશીના ઉપવાસનું પુણ્ય નાશ પામશે.