પૃષ્ઠ:Mabapone.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લગ્નજીવનની ધન્યતા કયારે સમજાશે ?
 


માંડીને મનુષ્યઉછેર અને ઉદ્ધારનું કામ આરંભવું. એ નાની કુમળી અવસ્થાથી જ બાલજીવનને હાથમાં લેવું, અને તેના વિકાસને સંપૂર્ણ અને શુદ્ધ ગતિ આપવા માંડવી.

અને એ કોણે લેવું ? એ યુવાને લેવું – બેશક યુવાને લેવું. જેને ઘેર બાળક છે તે યુવતીએ લેવું. મા અને બાપ રૂપી યુવક યુવતી જ બાળઉછેરનાં અને બાલવિકાસનાં ખરાં અધિકારી છે અને ખરાં જવાબદાર છે.

આજનો યુવાન ચારેકોરથી મુંઝાયેલો છે. એક તરફથી તેને અભ્યાસ કરવાનો છે, બીજી તરફથી તેને પેટ પણ ભરવાનું છે; અને જેના ઉપર કુદરત અને સમાજે કૃપા કરી છે તેને વધારામાં વળી એક પત્નીનું પોષણ અને સંરક્ષણ કરવાનું છે, એક કે વધારે બાળકનું પોષણ અને શિક્ષણ પણ કરવાનું છે. સમાજે અને રૂઢિએ આ સ્થિતિમાં આજે યુવાનને મૂક્યો છે; અને યુવાન પોતાનું સઘળું હીર આ ચતુર્વિધ મુશ્કેલીઓને પહોંચી વળવા ખર્ચા ખર્ચીને અશક્ત, નિસ્તેજ અને નિરાશ બની જવા આવ્યો છે.

એટલે જ અભ્યાસ પૂરો થયા પછી જ ગૃહસ્થાશ્રમ માંડવાનું જૂના લોકોનું વિધાન અનુભવમાંથી આવ્યાનું જણાય છે. એટલે જ બાળલગ્નો એ ભયંકરમાં ભયંકર કુરૂઢિ છે એ સહેલથી સમજી શકાય છે. એટલે જ સ્વાશ્રયની કેળવણી મળેલી ન હોવાથી યુવાન નાણાંની સંકડામણ ભોગવીને પાતળો પડે છે, અને એટલે જ સ્વાશ્રય વિનાની કેળવણી પામર છે એ પ્રત્યક્ષ થાય છે; અને એટલે જ લગ્નનાં સુખોની વાંછના કરનાર યુવક-યુવતીએ કેટલી તૈયારીએ લગ્નમાં પડવું જોઈએ તેનો ખ્યાલ આપવાને આ પરિસ્થિતિ બહુ કીમતી પાઠ છે.

પણ હમણાં શું કરવું ? હમણાં અપરિણીત યુવક-યુવતીઓ પરણવાના લહાવામાંથી દૂર રહે. આજ દિવસ સુધી રૂઢિને નામે