પૃષ્ઠ:Mabapone.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
માબાપોને
 

રોકાયેલાં હોવાથી બાળકોનું આયા કે નોકરોને હાથે શું થાય છે તેનો ભાગ્યે જ વિચાર કરે છે; અને આયા વગેરેને બાળકના શિક્ષણનો વિચાર સરખો હોતો નથી તેથી તેમના મનમાં બાળકના સંબંધે કાંઈ ઊંચા વિચાર આવવાપણું છે જ નહિ.

મોટે ભાગે માબાપ અને નોકરચાકર બંને વર્ગ એક જ વાત સમજે છે કે બાળકો જીવતાં રહે તો સારું, જીવે ત્યાં સુધી નસીબ સારાં હોય અને તંદુરસ્ત રહે તો સારું; અને કોઈને ઉપાધિ કરાવ્યા વિના લૂગડેલત્તે તથા ઘરેણાંથી લદાયેલાં ઘરનાં પૂતળાં થઈને રહે તો એના જેવું એકેય નહિ !

શ્રીમંતોનાં બાળકો નોકરચાકરને પોતાનો ગુસ્સો વગેરે દુર્ગુણો બતાવવાનાં અને માબાપોને પોતાનો અવકાશ હોય ત્યારે બે ઘડી વિનોદ કરવાનાં રમકડાં છે, એવું સહજ બની ગયું છે. ઘરમાં પણ એવું માણસ ભાગ્યે જ હોય છે કે જેનામાં શેઠના ઘોડાના ખાસદારને જેટલું ઘોડાની તાસીર અને માવજતનું જ્ઞાન હોય છે તેટલું જ બાળકની તાસીર અને માવજતનું જ્ઞાન હોય; જેટલું શેઠના પોપટને સાચવનાર નોકરને પોપટની પ્રકૃતિ અને ખોરાકનું જ્ઞાન હોય છે તેટલું બાળકની પ્રકૃતિ અને ખોરાકનું જ્ઞાન હોય; અને જેટલું શેઠના બાગના માળીને બાગના છોડની સાચવણના નિયમોનું જ્ઞાન હોય છે તેટલું બાળછોડને ઉછેરવાનું જ્ઞાન હોય ! શેઠ પોતાની પેઢીમાં નોકર રાખવામાં નોકર લાયક છે કે નહિ તેની તજવીજ કરે છે; શેઠાણી રસોયા માટે પણ તેવી જ તજવીજ કરે છે. પણ બાળકને માટે આયા કે નોકર રાખવામાં તો એટલી જ તજવીજ કરવાની કે તે બાળકનાં લૂગડાં ઘરેણાંના લોભથી બાળકને ઈજા કરે તેવાં નથી કે બહુ બહુ તો બાળકને રેઢું મૂકી દઈ જ્યાં ત્યાં ભમે તેવાં નથી ! બેશક એક ગુણ તો