પૃષ્ઠ:Mabapone.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રીમંતોને
૧૦૩
 

આયામાં કે નોકરમાં હોવો જ જોઈએ, અને તે ન હોય તો તેને નોકરી મળે જ નહિ–તે ગુણ એ કે નોકર પાસે એવી કળા હોવી જોઈએ કે નોકર પોતાને સોંપાયેલ બાળકને એક સુંદર ગુલામ બનાવી શકે. ગુલામ તે છે કે જેના જીવતરનો આધાર બીજાના ઉપર છે. અપંગ તે છે કે જે પોતાની મેળે પોતાનું કામ કરવાને શક્તિમાન નથી. શ્રીમંતોનાં બાળકોના જીવતરનો આધાર તેમને ‘હા ભાઈ’ કહીને રાજી રાખનાર નોકરી પર જ છે. જેમ જેમ નોકરો બાળકને અનુકૂળ વર્તતા જાય છે તેમ તેમ બાળક ગુલામ બનતું જાય છે. બાળક પરવશ થતું જાય છે. બાળકને ફરવા જવું હોય તો તેને નોકર વિના ચાલે જ નહિ; બાળકને પાણી પીવું હોય તો નોકર વિના ચાલે જ નહિ; અને જો બાળક પાસે નોકર ન હોય તો બાળકને પાણી પીધા વિના અને ફરવા ગયા વિના ચલાવી લેવું જ પડે. આ તેની પૂરેપૂરી પરાધીનતા, આ તેની ગુલામી. એક માણસને બદલે બીજો માણસ જેટલું કામ કરે છે. તેટલા પ્રમાણમાં પહેલો માણસ બીજાનો ગુલામ છે. એક રાજા જે પોતાના દરજ્જાને લીધે પોતાનાં મોજાં જાતે કાઢી શકતો નથી તેમાં અને એક અપંગ જેને પોતાનાં મોજાં કાઢવાની શક્તિ નથી તેમાં કશો ફેર નથી. એક મનથી પરાધીન છે. બીજો શરીરથી પરાધીન છે; એક મનનો અપંગ છે, બીજો હાથનો અપંગ છે. આ જ રીતે જે બાળકોનું બધું કામ નોકરચાકરો ઉઠાવ્યા કરે છે તે બાળકો મનથી ને શરીરથી પરાધીન છે, અપંગ છે, ગુલામ છે.

આયા કે નોકરોના પરાધીનપણામાંથી કંઈક કંઈક મુક્ત થઈ ભણવા યોગ્ય ઉંમરનાં જે બાળકો ગણાવા લાગે છે, તેમના ઉપર વળી બીજી રાજસત્તા શરૂ થાય છે. બાળકોને સંપૂર્ણ ગુલામ બનાવવાની એ રીતો બરાબર આયા કે નોકરની રીતોના