પૃષ્ઠ:Mabapone.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રીમંતોને
૧૦૭
 

જ્ઞાન મેળવી શકે તે માટે કેટલીએક સુંદર અને વ્યવહારુ યોજનાઓ છે. તે યોજનાઓ જો બરાબર કાળજીથી અમલમાં મૂકવામાં આવે તો જરૂર, શિક્ષક કે નોકરની મદદ વિના પણ બાળક બધું શીખી જાય. એટલું બધું હોશિયાર થઈ જાય કે પરિણામ જોતાં આપણે તાજુબ જ થઈ જઈએ.

આ યોજનાઓમાંની એક યોજના હું આ સ્થળે જણાવીશ. આ યોજનાનો જો અમલ કરવામાં આવે તો બાળક આનંદી, તંદુરસ્ત અને સ્વતંત્ર થાય; બાળક માતા, પિતા કે નોકરચાકરોની પરાધીનતામાંથી છૂટે; બાળક પોતાની ઇન્દ્રિયો જાતે જ ખીલવી પોતાના મન અને આત્માનો અનેકવિધ વિકાસ સાધી શકે.

આ યોજનાની વિગતો નીચે પ્રમાણે છે.

બાળકો માટેનો ઓરડો

શ્રીમંતોના બંગલાઓમાં પણ બાળકોને માટે એકાદ જુદો ઓરડો રાખવામાં આવતો નથી. આખો બંગલો અને તેમાં વસાવેલું ફરનીચર વગેરે એવા પ્રકારનાં હોય છે કે તેમાંથી બાળકોને માટે કંઈ પણ ન હોય. ઘરમાં બધુંય મોટી ઉમરનાં માણસો માટે જ હોય છે. બાળકોને માટે માત્ર સારાં સારાં રમકડાં હોય છે. આ રમકડાં મોટે ભાગે તો કબાટમાં કે અલમારી ઉપર જ હોય છે. પણ કદાચ તે બાળકોને માટે નીચે હોય છે, તો તે એટલી બધી કાળજીથી વાપરવાનાં હોય છે કે બાળકો તેમાંથી કંઈ શીખી શકે જ નહિ. જોકે રમકડાં બાળકોને બહુ થોડાં ગમે છે; તેમાંથી બાળકો આનંદ લઈ શકતાં નથી; થોડા જ વખતમાં બાળકો તેનાથી કંટાળી જઈ તેને ફેંકી દે છે, અથવા તેની અંદર શું છે તે જાણવા માટે તે તોડી નાખે છે. બાળકોની આવી સ્થિતિ છે માટે પ્રથમ તો તેને એકાદ અલાયદો ઓરડો મળવો જોઈએ. એ ઓરડામાં તમામ