પૃષ્ઠ:Mabapone.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળકોની અપૂર્ણતાઓ અને તેના ઉપાયો

સામાન્યતઃ કોઈ પણ આદર્શ વર્ગમાં કે શાળામાં જતાં સાધારણ બાળકો કામ કરે છે ત્યાં બાળકોની વ્યવસ્થા અથવા નિયંત્રણનો પ્રશ્ન ઊભો જ થતો નથી. જ્યારે શિક્ષકને બાળકો ઉપર પોલીસ અગર ન્યાયાધીશનું કામ કરવું પડતું હોય ત્યારે સમજવું કે શિક્ષક અગર બાળક અગર પરિસ્થિતિ સંબંધે કંઈક દોષ છે. ઉત્પન્ન થતી અનિષ્ટ પરિસ્થિતિ દૂર કરવા માટે શિક્ષક ઘણી વાર ભાત ભાતની યુક્તિપ્રયુક્તિઓ વાપરે છે. આથી થોડો વખત ગાડું રસ્તા ઉપર ચાલે છે, પણ વળી ફરી વાર એની એ સ્થિતિ આવી લાગે છે. ખરી રીતે શિક્ષકે પરિસ્થિતિને દાબવા કે ઢાંકવા યા તો બીજું સ્વરૂપ આપવાને બદલે તેનાં કારણોમાં ઊતરવું જોઈએ. જે શિક્ષક આમ નથી કરતો તે પોતાનાં બાળકોને સામાજિક અગર નૈતિક અગર કોઈ પણ પ્રકારની કેળવણી આપી શકતો નથી. સાધારણ ન હોય તેવાં અથવા અપવાદ રૂપ બાળકો એક ગૂઢ મુશ્કેલી છે. તેમની કેળવણીનો પ્રશ્ન વધારે બારીકીથી વિચારવો જોઈએ. શિક્ષકે શાસ્ત્રીય દૃષ્ટિથી તેમનું અવલોકન કરવું ઘટે છે.