પૃષ્ઠ:Mabapone.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માબાપોને
 


માબાપોને દોષ ચડાવી યુવક-યુવતીએ લગ્નસંસ્થાનો લાભ લીધો. હવે તેઓ પ્રેમને નામે પુનઃ એ જ રૂઢિ એટલે ઝટ ઝટ પરણવાના કામને સ્વીકારશે તો તેઓ આત્મવંચના કરે છે એમ સમજવું; અને તેઓને તેનાં ફળો ભોગવવાં જોઈશે. સ્ત્રીએ અને પુરુષે બન્નેએ લગ્ન કરતાં પહેલાં તૈયારીના મંડપો નાખવા જોઈશે. બાળક પ્રેમનું પરિણામ થશે; પ્રેમનો પરિપાક થશે. બાળકને ઉછેરવા સંવર્ધવા પાછળ જીવન સર્વસ્વ આપી દેવું પડશે; જીવનને યજ્ઞ ગણવો પડશે. પ્રેમ વડે બાળકસેવા રૂપી ઉત્સવો કરવા જોઈશે. એ બધું સમજ્યા પછી જ તેમણે લગ્નનાં પગલાં માંડવાં જોઈશે.

આજ તો લગ્ન એ ધુમ્મસમાં પગલું મૂકવા જેવું એક પગલું છે. અશુદ્ધ-શુદ્ધ ભાવના અને ઢાંક્યા સ્વાર્થોથી પ્રેરાઈ યુવાન યુવતીઓ પ્રેમને નામે લગ્નની ગ્રંથિ બાંધે છે, તે આવતી કાલે માત્ર શિથિલ કરવા કે તોડવા માટે છે. એ લગ્નગ્રંથિનાં બંધનો દૃઢ રહે અને તે દૃઢતા ભાવિ પેઢીને સંવર્ધવા અને સંસ્કારવા માટે વપરાય, તેની તો થોડાને જ કલ્પના છે; અને પરવા તો કોઈને જ નહિ હોય.

એટલે જ લગ્ન કરે તે પહેલાં યુવાન ચેતે. પોતે ભરણપોષણ કરવા સમર્થ હોય તોપણ ચેતે. બંને સશક્ત અને ઉંમરલાયક હોય તોપણ ચેતે. બંને ત્યારે જ લગ્ન કરે કે જ્યારે તેઓ બાળકોને ઉછેરવા સંબંધે લાયક થાય. બાળઉછેર માટે પોતાના મનની અને બુદ્ધિની તૈયારી તેઓ કરી લે.

બાળકો આજે અકસ્માત લાગે છે, દંપતી-જીવનમાં અણસમજુ સ્ત્રીપુરુષને આડખીલી રૂપ પણ લાગે છે ! તેઓ તેથી જ તેમને દૂર ઇચ્છે છે; તેમનું આગમન ઇચ્છતાં નથી. તેમને તેની કિંમત તો સમજાતી જ નથી અને સમજવા માટે ખાએશ પણ નથી. બે બાળકનું ઘર આજે યુવક યુવતી માટે ભારે મુશ્કેલીનું સ્થાન થઈ પડ્યું છે. જંજાળ રૂપ બની ગયું છે !